બરાબર દિવાળી ટાણે જ કોંગ્રેસ દ્વારા દિલ્હી ચલો રેલીનું આયોજન કરવામાં આવતા દિલ્હીના વેપારીઓનો ગુસ્સો ફાટી પડ્યો છે. કારણ કે હજારો કરોડના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આહ્વાન પર એક નવેમ્બરના રોજ દિલ્હી ચલો રેલીને કારણે વેપારીઓમાં ડર વધી રહ્યો છે. જેને પગલે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે CTIએ દિલ્હીના રામલીલા મેદાનની આસપાસના 20 બજારોમાં એક પોસ્ટર અભિયાન લોન્ચ કર્યું છે. વેપારીઓનું એવું પણ કહેવું છે કે વેપાર અને પોતાના કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખતા તેમણે જે પણ કરવું પડશે તે કરશે અને પીછેહટ નહીં કરે. જે પોસ્ટર લોન્ચ કરાયું છે તેમાં લખ્યું છે કે 'રાજનીતિના બજારમાં મોહબ્બતની દુકાનો બંધ ન કરો'.
આ પોસ્ટર અભિયાન દ્વારા વેપારી સંગઠન સાથે જોડાયેલા લોકોએ કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને અપીલ કરી છે કે 1 નવેમ્બર 2026ની રેલીથી દિવાળીની સીઝનના વેપાર પર કોઈ ખરાબ અસર ન પડે તેવું તેમણે સુનિશ્ચિત કરવું જોઈએ.

સીટીઆઈ નેતા ગોયલે કહ્યું કે ચાંદની ચોકની પરાંઠાવાળી દુકાન, ખારી બાવલીના મસાલા, સદરની બંગડી-બિંદી, ચાંદની ચોકના ઘાઘરા ચોળી, દરિયાગંજના એસી, ચાવડી બજારની સેનેટરી, કરોલબાગની જાણીતી કુલ્ફી, આ બધુ મોહબ્બતની દુકાનો જ છે, જ્યાં દર એક દુકાનથી 10થી 20 લોકોનો પરિવાર ચાલે છે. રામલીલા મેદાનની ચારેબાજુ બજારો છે. 10 લાખ લોકો અને 20 હજાર ગાડીઓ આવશે તો આ 20 બજારોને જ તાળા લાગશે.
અત્રે જણાવવાનું કે આ બધા પોસ્ટર રામલીલા મેદાનના 5 કિલોમીટરના દાયરામાં આવતા 20 જેટલા નાના મોટા મહત્વના બજારોમાં લાગવાના છે. સીટીઆઈના જણાવ્યાં મુજબ રેલીથી 20 લાખ વેપારીઓના કામકાજ પર અસર પડી શકે છે. એક અંદાજા મુજબ આ રેલીથી દિલ્હીના વેપારીઓનો લગભગ 10થી 12 હજાર કરોડનો વેપાર જોખમાય તેવી આશંકા છે. વેપારી સંગઠનના અનુમાન મુજબ જો દિવાળીની પીક સીઝન પર તેમને નુકસાન થયું તો લગભગ 75 લાખ લોકોની રોજીરોટી પર અસર પડી શકે છે.
અત્રે જણાવવાનું કે વેપારીઓ 1 નવેમ્બરે રેલીના કારણે એટલે ટેન્શનમાં છે કારણ કે 6 નવેમ્બરે ધન તેરસ છે અને 8 નવેમ્બરે દિવાળી છે. નોકરીયાતોના પગાર આવ્યા બાદ 1 નવેમ્બરનો દિવસ વેપારીરીઓ માટે ખુબ મહત્વનો ગણાઈ રહ્યો છે. તેમને એવું લાગે છે કે જો 1 નવેમ્બરે 10 લાખ લોકો અને 15થી 20 હજાર ગાડીઓ સેન્ટ્રલ દિલ્હીમાં આવશે તો રામલીલા મેદાનની આસપાસના 20 બજારોમાં કરોડો રૂપિયાનો વેપાર ઠપ્પ થઈ શકે છે.
આ અગાઉ વેપારી સંગઠને કોંગ્રેસ પાર્ટી હાઈ કમાન સોનિયા ગાંધીને પણ પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરીને દિવાળી બાદ આ રેલીનું આયોજન કરવાની અપીલ કરી હતી. વેપારીઓએ આ રેલીનું આયોજન રામલીલા મેદાનની જગ્યાએ બુરાડીના મેદાનમાં કરવાનો આગ્રહ કર્યો હતો કારણ કે ત્યાં લાખોની ભીડ ઉમટી પડે તો પૂરતી વ્યવસ્થા થઈ શકે તેમ છે.