MLC ચૂંટણી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારમાં 28 સીટો પર યોજાઈ હતી. ઘણી સીટોના પરિણામ આવી ગયા છે અને હજુ ગણતરી પણ ચાલી રહી છે. એમએલસી ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીને એકપણ સીટ મળી નથી. એટલું જ નહીં પોતાની સરકાર છે તે કર્ણાટક રાજ્યમાં પણ કોંગ્રેસને એક સીટ મળી નથી.
કોંગ્રેસ હંમેશાથી ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની માગ કરી રહી છે. એમએલસી ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હતી. તેમાં કોંગ્રેસની હાર થતાં ઘણી પાર્ટીઓ તેના પર પ્રહાર કરી રહી છે.
કોંગ્રેસે ચાર રાજ્યોની 28 વિધાન પરિષદની સીટોમાંથી 12 પર ચૂંટણી લડી હતી અને બધી સીટો પર હાર મળી છે. યુપીમાં કોંગ્રેસે 11 સીટોમાંથી કોઈ જગ્યાએ ચૂંટણી લડી નહોતી. કર્ણાટકમાં પોતાની સરકાર હોવા છતાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીને એક સીટ મળી નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ત્રણ સીટો પર ચૂંટણી લડી હતી. અહીં મતગણતરી ચાલી રહી છે, પરંતુ ત્રણેય બેઠકો પર કોંગ્રેસ પાછળ ચાલી રહી છે.
બિહારમાં કોંગ્રેસે 5 સીટો પર ચૂંટણી લડી હતી, અને અહીં તમામ સીટો પર હાર મળી છે. કોંગ્રેસ તમામ 12 સીટો પર હારી છે.
કર્ણાટક વિધાન પરિષદની ચારેય સીટોના પરિણામ સામે આવી ગયા છે. જ્યાં સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટીને ઝટકો લાગ્યો છે. ભાજપ અને જનતા દળ સેક્યુલર (JD(S)) ના એનડીએ ગઠબંધને ચારેય સીટો સ્નાતક અને શિક્ષક મતદાન ક્ષેત્રો પર કબજો કરતાં કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા છે. સૌથી કારમો પરાજય ઉત્તર-પૂર્વી શિક્ષક મતદાન ક્ષેત્રમાં થયો, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો ગૃહ જિલ્લો કલબુર્ગી સામેલ છે. ભાજપના વર્તમાન એમએલસી શશિલ જી નમોશીએ કોંગ્રેસના શરણપ્પા મત્તૂરને 3297 મતથી હરાવ્યા છે. નમોશીને 15596 મત મળ્યા, જ્યારે મત્તૂરને 12299 મત મળ્યા છે. આ સીટ પરથી તેમની પાંચમી વખત જીત થઈ છે.
આ ચૂંટણીમાં કુલ 4 સીટો પર મુકાબલો હતો, જેમાંથી 3 સીટો ભાજપે જાળવી રાખી, જ્યારે જેડીએસએ કોંગ્રેસ પાસેથી એક સીટ છીનવી લીધી છે.
તો ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ એમએલસી ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર કટાક્ષ કર્યો છે. પ્રદીપે એક્સ પર લખ્યુ- 28 એમએલસી ચૂંટણી બેલેટ પેપરથી થઈ, છતાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને એકપણ સીટ મળી નથી.
28 MLC elections happened on Ballot Paper, Yet Congress under Rahul Gandhi won ZERO seats! EVM: People India reject Rahul Gandhi's Anarchic politics Ballot paper: People of India reject Rahul Gandhi's Anarchic politics. Congress PR has no takers except Congress ecosystem! https://t.co/RX4oDNmd0P
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) October 28, 2026