યોગ અને પ્રાણાયામ કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે. નિયમિત યોગ કરવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. યોગ શારીરિક માનસિક સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. પરંતુ યોગ ફાયદો ત્યારે જ કરે જ્યારે વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર અને યોગ્ય રીતે યોગ કરે. જાણકારી ના અભાવમાં અને શરીરને માફક ન આવે તે રીતે યોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે તેમ આયુષ મંત્રાલયનું જણાવવું છે. સાથે જ આયુષ મંત્રાલય જણાવ્યું છે કે યોગ કરતી વખતે કઈ વાતોની સાવધાની રાખવી.
આયુષ મંત્રાલયના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અલગ અલગ પોસ્ટમાં મહત્વપૂર્ણ જાણકારી શેર કરવામાં આવતી હોય છે. આવી જ એક પોસ્ટમાં આયુષ મંત્રાલય જણાવ્યું કે યોગ કરતી વખતે વ્યક્તિએ પોતાના શરીરની ક્ષમતાને સમજવી જરૂરી છે. જો શરીરની ક્ષમતા સમજ્યા વિના ઉતાવળમાં યોગ કરવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. શરીરની ક્ષમતા દરેક વ્યક્તિની અલગ હોય છે. જેમકે જે લોકોનું શરીર લચીલું હોય તેઓ સરળતાથી શરીરને વાળી શકતા હોય છે. જ્યારે કેટલાક લોકો માટે શરીર વાળવું મુશ્કેલ હોય છે. એટલા માટે જ યોગ પોતાની સુવિધા અને શરીરને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ.
આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર જો કોઈ ખાસ પ્રકારનું આસન કે યોગ કરતી વખતે શરીર પર પ્રેશર જે દબાણનો અનુભવ થાય તો તુરંત જ યોગ કરવાનું અટકાવી દેવું. કોઈ ખાસ પ્રકારનું આસન કરતી વખતે શરીરને ઝટકો આપવાનું પણ ટાળવું. શરીરથી થઈ શકે એટલું જ પ્રેશર આપીને આસન કરવા. કોઈ આસન કરતી વખતે શરીરમાં દુખાવાનો અનુભવ થાય તો અભ્યાસ અટકાવી દેવો.
ઘણા લોકો એવું માને છે કે શરૂઆતમાં યોગ અભ્યાસ કરતી વખતે પેટ, ઘુંટણ કે શરીરના અન્ય અંગોમાં દુખાવો થાય તે સામાન્ય છે.. પરંતુ આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર કોઈ આસન કરતી વખતે આ પ્રકારનો દુખાવો થાય તો તેને ઇગ્નોર ન કરો. આમ કરવાથી શરીરના સ્નાયુઓમાં ઈજા થઈ શકે છે. આયુષ મંત્રાલયનું કહેવું છે કે શરૂઆતમાં યોગ નિષ્ણાંતની દેખરેખમાં જ કરવા જોઈએ.