ડેરીમાં મળતું દહીં એકદમ ઘટ્ટ અને પાણી વિનાનું હોય છે. ડેરીમાં મળતું દહીં પણ દૂધ અને દહીંના મેળવણથી જ બનાવેલું હોય છે તેમ છતાં ઘરના અને બજારના દહીંમાં જમીન આસમાનનું અંતર લાગે છે. તેનું કારણ હોય છે દહીં જમાવવાની રીત. જો તમે ઘરે પણ આ રીત ફોલો કરી દહીં જમાવો તો ઘરનું દહીં પણ પાણી વિનાનું ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને.
પહેલું સ્ટેપ - પરફેક્ટ દહીં જમાવવા માટે સૌથી પહેલા તો ફુલ ફેટ મિલ્ક જ લેવું. ઘટ્ટ અને સ્વાદિષ્ટ દહીં તો જ બને જો દૂધમાં ફેટ વધારે હોય. દહીં માટે ટોન્ડ મિલ્ક કે સ્કિમ્ડ મિલ્કનો ઉપયોગ કરવાને બદલે ફુલ ક્રીમ મિલ્ક યુઝ કરવું.
બીજું સ્ટેપ - દૂધમાં મેળવણ ઉમેરતાં પહેલા દૂધને ઉકાળવું જરૂરી છે. દૂધ ઉકળે પછી તેને ઠંડુ કરી તેમાંથી મલાઈ કાઢી નથી લેવાની. દૂધને થોડું ઉકાળી ગેસ બંધ કરી દો. દૂધને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તેમાં મલાઈ જામે નહીં. દૂધ જ્યારે હુંફાળુ ગરમ હોય ત્યારે તેમાં મેળવણ ઉમેરવું.
ત્રીજું સ્ટેપ - દહીં બરાબર સેટ ન થાય તેનું કારણ દૂધમાં ઉમેરેલું મેળવણ પણ હોય છે. જો દૂધમાં મેળવણ વધારે થઈ જાય તો દહીં ખાટું થઈ જાય છે અને ઓછું પડે તો દહીં બરાબર સેટ થતું નથી. એટલે મેળવણનું માપ પણ જરૂરી છે. જો તમે 1 લીટર દૂધ જમાવી રહ્યા હોય તો એકથી 2 ચમચી મોળું દહીં મેળવણ માટે ઉમેરવું.
ચોથું સ્ટેપ - દહીં બરાબર સેટ થાય તે માટે વાસણની પસંદગી પણ મહત્વની છે. જો તમારે ડેરી જેવું દહીં ઘરે સેટ કરવું છે તો પછી કાચ કે માટીના વાસણમાં દહીં જમાવજો. દહીં માટે પહેલી પસંદ કાચના વાસણની છે, બીજી માટીના વાસણ. જો 2 માંથી કોઈ વાસણ ન હોય તો સ્ટીલના વાસણમાં દહીં સેટ કરો.
પાંચમું સ્ટેપ - દૂધમાં મેળવણ ઉમેર્યા પછી બરાબર મિક્સ કરી દહીંના વાસણને ગરમી હોય તેવી જગ્યાએ રાખી દો. મેળવણ ઉમેર્યા પછી દૂધના વાસણને વધારે હલાવવું નહીં, દહીં ચેક કરવા વારંવાર ખોલવું નહીં. દહીંને સેટ થતા 5 થી 6 કલાક થશે જ. જો વારંવાર ચેક કરવા વાસણ હલાવતા રહેશો તો દહીંનું ટેક્ચર ખરાબ થઈ જશે.
ડેરી જેવું જ દહીં ઘરે જમાવવા માટે બસ આ 5 સ્ટેપ્સ ફોલો કરવાના છે. જો તમે આ વાતોને ધ્યાનમાં રાખવા લાગશો તો તમારા ઘરે રોજ ઘાટું દહીં જ જામશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)