ઈઝરાયેલ હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. એક તો યુદ્ધમાં ધકેલાયેલું છે. જ્યારે બીજી બાજુ દેશમાં 27 ઓક્ટોબરના રોજ સંસદીય ચૂંટણી યોજાઈ અને હવે મતગણતરીનું કામ પણ પૂરું થયું છે. જે મુજબ કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળી નથી. પીએમ બેન્જામીન નેતન્યાહૂની પાર્ટીવાળા ગઠબંધનને 53 સીટ મળી છે. બીજી બાજુ વિપક્ષી ગઠબંધનને 48 સીટો અને અરબ પાર્ટીઓને 19 સીટો મળી છે. ઈઝરાયેલમાં સંસદમાં 120 સભ્ય હોય છે. ત્યાંની સંસદને નેસેટ કહે છે જેમાં સરકાર બનાવવા માટે 61 સીટની જરૂર પડે છે. આવામાં કોઈ પણ ગઠબંધનને સ્પષ્ટ બહુમત ન મળતા અસમંજસ જોવા મળી રહ્યું છે.
ઈઝરાયેલના ચૂંટણી પરિણામો ચોંકાવનારા છે. પીએમ બેન્જામીન નેતન્યાહૂની લિકુડ પાર્ટીને સૌથી વધુ 27 સીટો મળી છે. જ્યારે તેમના નેતૃત્વવાળા ગઠબંધનને 53 સીટ મળી છે. જો કે આમ છતાં સ્પષ્ટ બહુમતી ન હોવાના કારણે સરકાર બનાવવાનું ખુબ મુશ્કેલ જોવા મળી રહ્યું છે. ઈઝરાયેલની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિશેષ મતપત્રોની ગણતરી પણ પૂરી કરી લીધી છે. તેને ડબલ એનવેલેપ વોટ કહેવાય છે. જેમાં સૈનિકો, કેદીઓ, વિદેશમાં તૈનાત રાજનયિકો અને હોસ્પિટલોમાં દાખલ મતદારોના મત સામેલ હોય છે. જે પોતાના વોટિંગ સેન્ટર્સથી મત આપી શક્યા નહતા.
અન્ય પાર્ટીઓમાં ગાદી આઈઝનકોટની યાશાર પાર્ટીને 21 સીટ મળી છે. જ્યારે બીયાચાદે 12 અને જોઈન્ટ લિસ્ટે 11 સીટો મેળવી છે. ડેમોક્રેટ્સ અને રાઅમને 8-8 સીટો મળી છે. જ્યારે યુનાઈટેડ તોરાહ જૂડાઈઝમ, ઈઝરાયેલ બેઈતેનુ અને ઓત્ઝમા યેહુદિતને 7-7 સીટ મળી છે. શાસ અને રિલિઝિયસ જિયોનિઝ્મને 6-6 સીટ મળી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ જણાવ્યું કે વિશેષ મતોની ગણતરી પૂરી થઈ ગઈ છે પરંતુ સત્તાવાર રીતે પરિણામ પછી જાહેર કરાશે.
ફાઈનલ પરિણામોની ખરાઈ બાદ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ સરકાર બનાવવાની પ્રક્રિયાની નિગરાણી કરશે. જે હેઠળ કોઈ સાંસદને ગઠબંધન બનાવીને સરકાર રચવાના પ્રયાસ માટે પસંદ કરાશે. જો કોી પણ રાજકીય ગઠબંધન બહુમત મેળવવામાં સફળ ન થાય તો ઈઝરાયેલે ફરી એકવાર ચૂંટણીનો પણ સામનો કરવો પડી શકે.