Israel Election Result: ઈઝરાયેલની સામાન્ય ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યા સુધીમાં ડબલ-એન્વલપ મતોની ગણતરી પૂરી થઈ ગઈ છે. સેન્ટ્રલ ઈલેક્શન્સ કમિટી (CEC) દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર, નેતન્યાહૂ જૂથે 53 બેઠકો મેળવી છે, જ્યારે વિરોધી જૂથે 48 બેઠકો જીતી છે. આ ઉપરાંત, 19 બેઠકો આરબ પક્ષોના ખાતામાં ગઈ છે.
મતગણતરી પૂર્ણ થઈ હોવા છતાં સરકાર કોણ બનાવશે તે હજુ પણ અસ્પષ્ટ છે. ઈઝરાયેલની સંસદ નેસેટમાં બહુમતી સાબિત કરવા માટે 61 બેઠકોની જરૂર હોય છે. પરિણામે, કોઈપણ જૂથ પાસે પોતાની રીતે સરકાર રચવા માટે જરૂરી સંખ્યાબળ નથી.
આ ચૂંટણીમાં આરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા પક્ષોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને કુલ 19 બેઠકો જીતી છે. જે તેમના માટે એક રેકોર્ડ સમાન પ્રદર્શન માનવામાં આવે છે. આ બેઠકોએ સરકાર રચવાના સમીકરણોને વધુ જટિલ બનાવી દીધા છે. એવું જણાય છે કે આ આરબ પક્ષોના સમર્થન વિના વિરોધી જૂથ પાસે સત્તા સુધી પહોંચવાનો કોઈ સીધો રસ્તો નથી.
ચૂંટણીમાં અરબ પક્ષોને મળેલી નોંધપાત્ર સફળતાએ નેતન્યાહૂ સહિત સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. નેતન્યાહૂએ આ અંગે સવાલો ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે અરબ પક્ષોએ જીતેલી કેટલીક બેઠકો કદાચ ચૂંટણીમાં થયેલી ગેરરીતિનું પરિણામ હોઈ શકે છે. જોકે, તેમણે આ દાવાઓના સમર્થનમાં કોઈ પુરાવા આપ્યા નથી. અરબ નેતાઓએ તેમના આરોપોને ફગાવી દીધા છે અને તેને ઉશ્કેરણીજનક નિવેદનબાજી ગણાવી છે.
વધુમાં નેતન્યાહૂના પક્ષે આરોપો લગાવ્યા છે કે ચૂંટણીમાં બાહ્ય પરિબળોએ મોટી ભૂમિકા ભજવી હોઈ શકે છે. એવો આરોપ છે કે કતાર અને તુર્કી જેવી વિદેશી સત્તાઓએ અરબ સમુદાયોમાં મતદાનને પ્રભાવિત કરવા માટે નાણાં પૂરા પાડ્યા હતા. ઈઝરાયેલની આંતરિક સુરક્ષા એજન્સી, શિન બેટ, હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે આ માત્ર તપાસ હેઠળના આરોપો છે, સાબિત થયેલી હકીકતો નથી.
દરમિયાન કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ-અન્સારીએ જણાવ્યું હતું કે કતારે ન તો ઈઝરાયેલી ચૂંટણીમાં કોઈ હસ્તક્ષેપ કર્યો છે અને ન તો ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાના હેતુથી કોઈ પ્રવૃત્તિ માટે ફંડ પૂરું પાડ્યું છે. તેમણે આ આરોપોને ઈઝરાયેલી નેતાઓ દ્વારા પોતાની રાજકીય નિષ્ફળતાઓનો દોષ કતાર પર નાખવાના પ્રયાસ તરીકે વર્ણવ્યા છે.