લોકશાહીમાં જનતા પોતાના પ્રતિનિધિને ચૂંટીને વિધાનસભામાં મોકલે છે જે પોતાના વિસ્તારોનો અવાજ સરકાર સુધી પહોંચાડે છે અને કામકાજ સુચારું ઢબે ચાલે એવી વ્યવસ્થા છે. ચૂંટાઈને આવેલા ધારાસભ્યો પાટનગર ગાંધીનગરમાં આલીશાન ફ્લેટ્સ તૈયાર કરાયા છે. પરંતુ આમ છતાં એવા અનેક ધારાસભ્યો અને મંત્રીઓ વિશે જાણવામાં આવ્યું છે કે તેઓએ અગાઉ ફાળવેલા એમએલએ ક્વાર્ટ્સ પર પોતાનો કબજો જતો કર્યો નથી. જેમાં કેટલાક મંત્રીઓ પણ સામેલ છે. નવાઈની વાત એ છે કે આવા સમયે તો પક્ષ વિપક્ષ બધા 'આવ ભાઈ હરખા આપણે બે સરખા' જેવા થઈ જાય છે. એટલે કે સત્તાધારી ભાજપ શું, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જન પ્રતિનિધિઓ પણ સામેલ છે. મફતના ભાવે ભાડું અને સરકારી સુવિધાઓ તો ભાઈ કોણ જતું કરે?
ગત વર્ષે ફાળવેલા હતા આલિશાન ફ્લેટ્સ
અત્રે જણાવવાનું કે તમામ ધારાસભ્યોને ગત દિવાળી સમયે જ લક્ઝૂરિયસ ફ્લેટ્સ ફાળવવામાં આવ્યા હતા. બે માસ્ટર બેડરૂમ, ડાઈનિંગ હોલ, વેઈડિંગ રૂમ, ઓફિસની સુવિધાઓ ધરાવતા આ ફ્લેટ ફાળવવામાં આવ્યે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે પરંતુ હજુ પણ અનેક ધારાસભ્યો એવા છે જેમણે જૂના એમએલએ ક્વાર્ટ્સ છોડ્યા નથી.
ભાડું ઉઘરાવતા હોવાની પણ ચર્ચા
વાત જાણે એમ છે કે અગાઉના અનેક એમએલએ કવાર્ટ્સ જર્જરિત અવસ્થામાં પહોંચી જવાને કારણે 220 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે શાનદાર ફ્લેટ્સ ગાંધીનગરમાં તૈયાર કરાયેલા છે અને તેમને ફાળવવામાં પણ આવ્યા છે. પરંતુ હજું પણ ઘણા ધારાસભ્યો એવા છે કે જેમણે અગાઉ ફાળવેલા કવાર્ટ્સ ખાલી કર્યા નથી. એવી પણ ચર્ચા થઈ રહી છે કે કેટલાક તો ભાડું પણ ઉઘરાવે છે.
મફતના ભાવે મળેલા છે ક્વાર્ટર્સ!
આ સરકારી ક્વાર્ટર્સ મફતના ભાવે જન પ્રતિનિધિઓને ફાળવવામાં આવેલા છે. એટલે કે રોજનું માત્ર સવા રૂપિયા જેટલું જ ભાડું લેવાય છે. ત્યારે અમદાવાદથી નજીક અને ગાંધીનગરમાં આટલા સસ્તા ભાવે ક્યાંથી મકાન મળી શકે? એક દૂધની થેલીનો પણ ભાવ જુઓ તો 37 રૂપિયા રોજનો હોય છે. જેના કારણે જન પ્રતિનિધિઓ પોતાને ફાળવેલા આવા મકાનો જતા કરવા માંગતા નથી એવું જણાય છે.
કયા કયા મંત્રીઓએ ફ્લેટની સાથે જૂના ક્વાર્ટર્સ રાખ્યા છે?
રિવાબા જાડેજા, કાંતિ અમૃતિયા, પ્રવિણ માળી, સ્વરૂપ ઠાકોર, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી
ભાજપના કયા ધારાસભ્યો?
સી કે રાઉલજી, અલ્પેશ ઠાકોર, લવિંગજી સોલંકી, ફતેસિંહ ચૌહાણ, કિરીટસિંહ ડાભી, મહેશ ભુરિયા, સરદારસિંહ ચૌધરી, સી જે ચાવડા, પબુભા માણેક, ચિરાગ પટેલ, અરુણસિંહ રાણા, લક્ષ્મણસિંહ ઠાકોર, રમેશ કટારા, શંભુનાથ ટુડિંયા, રાજેશ ઝાલા, હીરા સોલંકી, મોહન કોંકણી, મહેન્દ્ર ભાભોર, રિતેશ વસાવા
કોગ્રેસના કયા ધારાસભ્યો?
અમિત ચાવડા, શૈલેષ પરમાર, જીજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ, કાંતિ ખરાડી
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો
ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાકાણી
અપક્ષ ધારાસભ્યો
ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ
આ ઉપરાંત એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા પણ આ યાદીમાં સામેલ છે.