જયંતિ સોલંકી/વડોદરા: વડોદરાના ગોરવા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મનમોહનસિંહ સંજયસિંહ અને આરોપી સુફિયાન અબ્દુલસત્તાર સિદ્દીકી ચા-નાસ્તાની દુકાનમાં ભાગીદાર હતા. મૃતક સમયસર દુકાને ન પહોંચતાં આરોપીને મનદુઃખ થયું હતું. આ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી રાત્રે મૃતકના ઘરે ગયો હતો અને ત્યાં ગાળાગાળી કર્યા બાદ તેને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. ત્યારબાદ મધુરનગર પાસેની કેનાલના વહેતા પાણીમાં મૃતકને ધક્કો મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. કેનાલમાં આશરે 10 કિલોમીટર સુધી શોધખોળ કર્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી
ચા-નાસ્તાની દુકાનની ભાગીદારીમાં થયેલા મનદુઃખે ગંભીર ગુનાનું સ્વરૂપ લીધું હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. ગોરવા પોલીસે આરોપીને ઝડપી પાડી સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ, ઘટનાની અન્ય કડીઓ અને આરોપીની ભૂમિકા અંગે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.