)
અમદાવાદમાં માતા-પિતાના વિવાદ વચ્ચે અટકેલી એક સગીર બાળકના પાસપોર્ટની મેટર ગુજરાત હાઇકોર્ટ પહોંચી હતી, જ્યાં કોર્ટે બાળકનું ભવિષ્ય ધ્યાને રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે વિવાદ વચ્ચે બાળક માતાની કસ્ટડીમાં હોય, ત્યારે પિતાની સહી ન હોય તો પણ ચાલે. બાળકના હિતને પ્રાધાન્ય આપતાં કોર્ટે સંબંધિત વિભાગને આ ઓર્ડરની કોપી મળ્યાના ૮ સપ્તાહની અંદર બાળકનો પાસપોર્ટ ઈશ્યુ કરી દેવા માટે આદેશ કર્યો છે.
સુરત, અમદાવાદ અને રાજકોટમાં આયકર (IT) વિભાગે દરોડા પાડીને રેસ્ટોરન્ટો દ્વારા કરવામાં આવતી ૨૫ હજાર કરોડ રૂપિયાની મોટા પાયે કરચોરીનો પર્દાફાશ કર્યો છે. સ્વિગી અને ઝોમેટોના ડેટા એનાલિસિસ દરમિયાન ૮ હજારથી વધુ રેસ્ટોરન્ટના ટીડીએસ (TDS) કપાયા હોવાનું સામે આવ્યા બાદ આ મોટી તપાસ હાથ ધરાઈ છે. રેસ્ટોરન્ટ ધારકો બિલિંગ સોફ્ટવેર, ક્લાઉડ સિસ્ટમ અને કેશ વેચાણ છુપાવીને આવક ઓછી દર્શાવતા હતા. હાલ આવકવેરા વિભાગે રૂપિયા ૨ કરોડથી ૫ કરોડ સુધીની વાર્ષિક આવક ધરાવતી હોટલો અને રેસ્ટોરન્ટો પર પોતાની તપાસ કેન્દ્રિત કરી છે.
ગુજરાતમાં મોબાઈલ રિકવરી રેટ 50.75 ટકા થયો. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2 લાખ 38 હજાર 533 મોબાઈલ બ્લોક કરાયા. 1 લાખ 47 હજાર 427 મોબાઈલ ટ્રેસ કરવામાં પોલીસને સફળતા. 74 હજાર 823 મોબાઈલ મૂળ માલિકોને પરત અપાયા. મોબાઈલ રિકવરીમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે. દેશમાં મોબાઈલ રિકવરીનો સરેરાશ દર 37.4 ટકા જ્યારે ગુજરાતનો દર 50.75 ટકા. ગત વર્ષની સરખામણીએ ગુજરાતના મોબાઈલ રિકવરી દરમાં 9.75 ટકાનો વધારો. CEIR પોર્ટલના શ્રેષ્ઠ અમલીકરણ બદલ ગુજરાત પોલીસના અધિકારીઓનું સન્માન. નાણાકીય વર્ષ 2026 27ના પ્રથમ છ મહિનામાં આણંદ જિલ્લો પ્રથમ ક્રમે. ડાંગ જિલ્લો બીજા ક્રમે અને અમદાવાદ શહેર ત્રીજા ક્રમે. આણંદ સાયબર સેલના પીઆઈ જયમીન ડોડિયાની કામગીરી શ્રેષ્ઠ. ડાંગ એલસીબીના પીએસઆઈ જે જી અનડકટને બીજો ક્રમ. અમદાવાદ શહેરના એએસઆઈ ભાવેશકુમાર વિષ્ણુપ્રસાદ અને પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ જયંતીલાલની કામગીરીને બિરદાવાઈ. ગુજરાત પોલીસ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો. સીઆઈડી ક્રાઈમના ડીજીપી ડૉ કે એલ એન રાવ અને DoT ગુજરાત LSAના એડિશનલ ડાયરેક્ટર જનરલ ગિરીશ કટારિયાની ઉપસ્થિતિમાં અધિકારીઓનું સન્માન કરાયું. ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ શોધવા માટે CEIR પોર્ટલ અસરકારક સાબિત થયું. મોબાઈલના દુરુપયોગ અને સાયબર છેતરપિંડી રોકવામાં ગુજરાત પોલીસ અને DoTનું સંકલન મહત્વપૂર્ણ.
ઇન્દોર-દાહોદ નવી રેલવે લાઇન યોજના અંતર્ગત ૨૯૫૭ મીટર લાંબી ટનલનું નિર્માણ કાર્ય હવે અંતિમ ચરણમાં પહોંચી ગયું છે. ટનલના બંને છેડા પર રેલવે ટ્રેક સફળતાપૂર્વક જોડાઈ ગયા બાદ, ટીડી તરફના P-1 છેડાથી પીથમપુર તરફના P-2 છેડા સુધી ટાવર વેગન ચલાવીને ટનલનું સફળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં ટીડીથી ધાર સુધીના આશરે ૪૭ કિલોમીટર લાંબા રેલ સેક્શનમાં બેલાસ્ટલેસ ટ્રેક બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તેની સાથે વીજળીકરણ તેમજ સિગ્નલિંગ સિસ્ટમની કામગીરી પણ આખરી ઓપ લઈ રહી છે.
બહુચરાજી મંદિરમાં છેલ્લા અઢી વર્ષથી કોથળામાં ભરેલા દાનની આજથી ગણતરી શરૂ થશે. દાનપેટીની રકમની આ ગણતરી આગામી 10 દિવસ એટલે કે 6 નવેમ્બર સુધી ચાલશે. ગણતરી પ્રક્રિયા માટે 1 નાયબ કલેક્ટર, 1 મામલતદાર, 2 નાયબ મામલતદાર અને 3 મહેસૂલી તલાટી તૈનાત કરાયા. સુરક્ષા માટે ગણતરીદારોને વધુ ખિસ્સાવાળા કપડાં અને મોજાં પહેરવા પર સખત પ્રતિબંધ મુકાયો. ભંડાર કક્ષમાં મોબાઈલ, પાકીટ, રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના લઈ જવા પર સંપૂર્ણ મનાઈ. ગેરરીતિ અટકાવવા રોકડ રકમની ગણતરીનું સીસીટીવી કેમેરા દ્વારા સતત લાઈવ પ્રસારણ અને મોનિટરિંગ કરાશે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે નિયુક્ત મહેસૂલી અધિકારીઓની ફરજમાં રોજેરોજ ફેરફાર કરવામાં આવશે.
આંધ્રપ્રદેશના મંત્રી ગોટ્ટીપાટી રવિ કુમારે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં વીજળી પુરવઠો પૂર્વવત કરવા માટે તેલંગાણાની મદદ માગી. તેમણે ભારે વરસાદ અને તેજ પવનોના કારણે થયેલા નુકસાનના સમારકામ માટે કર્મચારીઓ અને સાધનો પૂરા પાડવા વિનંતી કરી. તેલંગાણા વીજ વિભાગ જરૂરી સ્ટાફ અને સાધનો મોકલવા માટે સંમત થયો છે. વાવાઝોડાને કારણે સમગ્ર આંધ્રપ્રદેશમાં વીજળી ખોરવાઈ ગઈ છે, જેમાં અનેક ગામડાઓમાં વીજળીના થાંભલા પડી ગયા છે અને લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા છે.
તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તેમજ વહીવટી કાર્યક્ષમતા વધારવાના ભાગરૂપે ૫ પીઆઈ (PI) ની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ ફેરબદલ હેઠળ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા એમ. એમ. ગિલાતરને સોનગઢ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે, જ્યારે પીઆઈ ડી. વી. ઢોલાને સાયબર ક્રાઈમ, એન. આઈ. બારોટને કાકરાપાર પોલીસ સ્ટેશન, વી. કે. પટેલને ANW અને જે. એન. જોશીની કુકરમુંડા ખાતે બદલી કરવામાં આવી છે. આચિંતા કરાયેલા આંતરિક ફેરબદલને કારણે પોલીસ બેડામાં 'કહી ખુશી કહી ગમ' જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢમાં ખાધ્ય પદાર્થોમાં ચાલતી ભેળસેળ સામે SOG પોલીસે લાલ આંખ કરી છે, જ્યાં ફરી એકવાર શહેરમાંથી નકલી ઘી ઝડપાઈ આવતા ખળભળાટ મચી ગયો છે. SOG પોલીસે બાતમીના આધારે શહેરની ચિત્રકૂટ સોસાયટીમાં આવેલી એક જગ્યા પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં નકલી ઘી જપ્ત કર્યું છે. વિશેષ બાબત એ છે કે, આ અગાઉ માત્ર બે દિવસ પહેલા જ શહેરમાંથી અન્ય એક સ્થળેથી પણ નકલી ઘી પકડાયું હતું, જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું કરનાર તત્વો સક્રિય હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
ભરૂચના વાવલી ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં તૂટેલી નહેરના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. પાણી ભરાઈ જવાના કારણે ખેતરોમાં વાવેલા ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી સ્થાનિક ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ પરિસ્થિતિને પગલે ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે નહેરનું સમારકામ હાથ ધરવા અને થયેલા નુકસાન સામે યોગ્ય વળતર તથા સહાય પૂરી પાડવા માંગ કરી છે.
રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી ૨૯ અને ૩૦ ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા જણાવાયું છે.
બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ચક્રવાત 'અર્નબ' અત્યંત ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત કુલ ચાર રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દરિયાકાંઠાના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા સહકારી બેંકો દ્વારા આપવામાં આવેલા ધિરાણ પર ૨ ટકા વ્યાજ રાહત આપવાની જાહેરાત કરી છે. રાજ્યના ૧૦ લાખથી વધુ ખેડૂતોને આનો સીધો લાભ મળશે, જેના માટે સરકારે ૧૭૪.૦૭ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે. આ વ્યાજ રાહતનો લાભ ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન લેવાયેલા ધિરાણ પર મળવાપાત્ર રહેશે, જેથી ખેડૂતો આર્થિક ભારણમાંથી મુક્ત થઈને વધુ સારી રીતે ખેતી કરી શકશે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..