તમારા ઘરમાં પણ સ્લાઇડિંગ બારી અને દરવાજા હોય તો તેનો ટ્રેક કે પછી તેની ફ્રેમમાં ભરાયેલી ગંદકી સરળતાથી કાઢવાની પણ એક રીત છે. સ્લાઇડિંગ ટ્રેક પર જામેલી ગંદકી અને ધૂળ ડસ્ટિંગ થી નીકળતી નથી. ઘણા લોકો ફક્ત બ્લોઅર ચલાવીને સંતોષ માની લે છે. પરંતુ ગંદકીમાં ડાયરેક્ટ બ્લોઅર મારવાથી બધી જ ગંદકી અને કચરો દરવાજાની નીચે જતો રહે છે. જેના કારણે બારી અને દરવાજા બંધ કરવામાં તકલીફ પડવા લાગે છે. આવું ન થાય તે માટે શું કરવું ચાલો તમને જણાવીએ.
સ્લાઇડિંગ ટ્રેક કે ફ્રેમ પર ડાયરેક્ટ બ્લોઅર મારવાની કે કપડાથી ઝાટકવાની ભૂલ કરવી નહીં. સ્લાઇડરના ટ્રેકમાં જઈ શકે તેવું બ્રશ લેવું અને બ્રશની મદદથી ટ્રેકમાં ભરાયેલી ગંદકી અને ધૂળને ધીરે ધીરે બહાર કરી દેવી. જો બારી કે દરવાજાનો કાચ ટ્રેકમાંથી સરળતાથી નીકળી શકે તેવો હોય તો કાચની ફ્રેમને કાઢી અને પછી ટ્રેકમાંથી બ્રશ વડે સૂકો કચરો બહાર કાઢી લો.
સુકો કચરો ફ્રેમમાંથી બહાર નીકળી જાય પછી એક સ્પ્રે બોટલમાં હુંફાળું પાણી અને વિનેગર સમાન માત્રામાં મિક્સ કરો. આ સ્પ્રે ટ્રેકમાં છાંટો. તેનાથી ટ્રેકમાં રહેલા કરોળિયા અને અન્ય જીવજંતુ નીકળી જશે. વિનેગર અને હુંફાળું પાણી ટ્રકમાં પડેલા ડાઘા કાઢવામાં પણ મદદ કરશે. પાણી છાંટીને બ્રશ વડે ફરીથી ટ્રેક એક વખત ઘસીને સાફ કરી લો.
સ્લાઇડિંગ ટ્રેકમાં પાણી છાંટ્યા પછી માઇક્રોફાઇબર કપડાની મદદથી બધી જ ગંદકીને સાફ કરો. કપડાને પાણીમાં પલાળતા જાવ અને ટ્રેકને બરાબર ક્લીન કરો. માઇક્રોફાઇબર કપડાનો યુઝ કરશો તો ટ્રેકની અંદરની ગંદકી પણ સરળતાથી નીકળી જશે. જો ટ્રેકમાં કચરો જામી ગયો હોય તો ટુથ બ્રશની મદદથી થોડું ઘસો અને પછી કપડાં વડે ગંદકી બહાર કાઢો. ભીના કપડાથી સાફ કર્યા પછી સ્લાઇડરને કોરા કપડાથી ક્લિન કરી લો.
એક વખત આ રીતે સ્લાઇડિંગ ટ્રેક સાફ કરી લીધા પછી થોડા થોડા દિવસે વેક્યુમ ક્લીનર કે બ્લોઅરની મદદથી સ્લાઇડર ટ્રેક ક્લિન કરી લેવાથી તેમાં ગંદકી જામતી નથી. સફાઈ કર્યા પછી ટ્રેકને ચોખ્ખો રાખવા માટે તમે બ્લોઅર કે વેક્યુમ ક્લીનર યુઝ કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)