Gandhinagar News: ગાંધીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામા અનુસાર તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી દરમિયાન માત્ર રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. જી હા.. નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે રાત્રે 11:55થી 12:30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગાંધીનગરમાં માત્ર ગ્રીન ફટાકડાના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઓછો અવાજ અને ઓછું પ્રદૂષણ ફેલાવતા ગ્રીન ફટાકડા જ વેચી શકાશે. આ ઉપરાંત, અવાજ અને પ્રદૂષણનું પ્રમાણ વધુ ધરાવતા જોઈન્ટ અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પર્યાવરણ બચાવવા અને સુરક્ષાના કારણોસર ઓનલાઈન ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ કે અન્ય માધ્યમો દ્વારા ફટાકડા મંગાવી શકાશે નહીં. સાથે જ, જાહેર રસ્તાઓ, જાહેર સ્થળો અને પ્રતિબંધિત વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે.
જાહેરનામા પ્રમાણે, ગાંધીનગરની હોસ્પિટલ, શાળા, ધાર્મિક સ્થળો અને કોર્ટની આસપાસ 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે નહીં. નાગરિકોની સુવિધા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને શાંત વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે. જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને આ જાહેરનામાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
સમાચારનો સાર:-