Gujarati News: ગુજરાતમાં નવી શાળાઓની મંજૂરી માટેના નિયમોમાં સરકારે તઘલખી નિર્ણય કરતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. ‘રમશે ગુજરાત, ખેલશે ગુજરાત’ના સૂત્રો દ્વારા મોટા દાવાઓ કરતી ગુજરાત સરકારના આ નિર્ણયથી ચારેબાજુ આશ્ચર્ય ફેલાયું છે.
રાજ્યમાં હવે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મંજૂરી માટેના નિયમોમાં સુધારો કરાયો છે, જેમાં હવે મેદાન ન ધરાવતી શાળાઓ પણ પોતાના બિલ્ડિંગના ધાબાને ‘વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ’ તરીકે વાપરી શકશે. આ નિર્ણય શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે સરકારના આ નિર્ણયથી સવાલ એવો ઉભો થયો છે કે શું હવે બાળકો જમીન પર દોડવાને બદલે માત્ર ધાબાની ચાર દીવાલો વચ્ચે જ ઓલિમ્પિક ખેલાડી બનવાની તાલીમ મેળવશે? રમતગમત નિષ્ણાતોના મતે આ નિર્ણય સ્પોર્ટ્સનું ગળું ઘોંટતો અને માત્ર ખાનગી શાળાઓના હિત માટે લેવાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે.
નવા નિયમ અનુસાર, જો શાળા પાસે પોતાનું મેદાન ન હોય, તો તે પ્રવર્તમાન એફ.એસ.આઈ. (FSI) ના ધોરણોને આધીન રહીને પોતાના મકાનના ધાબાને જ રમતના મેદાન તરીકે દર્શાવી શકશે. તમને જણાવી દઈએ કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી કે કબડ્ડી જેવી લોકપ્રિય રમતો ક્યારેય ધાબા પર રમી શકાતી નથી. ખુલ્લા મેદાન વિના બાળકો દોડની સ્પર્ધાઓ, હાઈ જમ્પ કે લોંગ જમ્પ જેવી રમતો કઈ રીતે શીખી શકે? માત્ર કાગળ પર 'વર્ટિકલ પ્લેગ્રાઉન્ડ' લખી દેવાથી વાસ્તવિક મેદાનની ગરજ મટી જતી નથી.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ ધરખમ ફેરફારો વિવાદનો વંટોળ ઊભો કરી રહ્યા છે. એક તરફ સરકાર અમદાવાદમાં રમાનાર કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોની પૂરજોશથી તૈયારીઓ કરવાની વાતો કરે છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને રમતગમતના ભોગે આવા અવ્યવહારુ નિર્ણયો લેવાઈ રહ્યા છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શાળા મંજૂરી પ્રક્રિયાના વિવાદાસ્પદ નિર્ણયોમાં માત્ર રમતગમત જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓની શારીરિક સલામતી સાથે પણ સીધા ચેડાં કરવામાં આવ્યા છે. સરકારે નવા સુધારાના ભાગરૂપે એક અત્યંત મહત્ત્વનો નિયમ રદ કરી નાખ્યો છે, જેમાં સ્પષ્ટ જોગવાઈ હતી કે ‘મેદાન સાથેની શાળાઓમાં બનતી દુર્ઘટનાના પ્રસંગે બાળકોની સલામતી માટે ઝડપથી બચાવના પગલાં લઈ શકાય છે, જેથી મેદાન ન હોય તેવી કોઈ પણ સ્કૂલ ચલાવી શકાશે નહીં.’
તમને જણાવી દઈએ કે, અગાઉ ગુજરાત શિક્ષણ બોર્ડ નવી શાળાઓને પરમિશન ત્યારે જ આપતી જ્યારે વિદ્યાર્થીઓને લઈને તમામ સુવિધા હોય, પરંતુ હવે સરકારે આ સુરક્ષા કવચ સમાન જોગવાઈને જ હટાવી દીધી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર બાળકોના જીવ અને સલામતીને ગંભીરતાથી લેવાને બદલે નિયમો હળવા કરીને મેદાન વગરની શાળાઓને છાવરવામાં લાગી ગઈ છે, જે ભવિષ્યમાં કોઈ મોટી હોનારતને આમંત્રણ આપી શકે છે.