જયંતિ સોલંકી, વડોદરા : વડોદરાના ગોત્રી વિસ્તારમાં જાહેર માર્ગ પર ધોળા દિવસે હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. જય ઉર્ફે ટિંકુ નામના શખ્સે યુવરાજ ડોડિયા પર ખંજરથી ઉપરાછાપરી હુમલો કરતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પ્રાથમિક આશંકા મુજબ દારૂના ધંધાની હરીફાઈમાં આ હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. હત્યાને અંજામ આપ્યા બાદ હુમલાખોર ફરાર થઈ ગયો છે. જેને ઝડપી પાડવા ગોત્રી પોલીસે તપાસ તેજ કરી છે.
ગોત્રી વિસ્તારમાં જાહેર માર્ગ પર અચાનક થયેલા હુમલાથી સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, જય ઉર્ફે ટિંકુ નામના શખ્સે યુવરાજ ડોડિયા પર ખંજરથી ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવરાજનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં દારૂના ધંધાની હરીફાઈ હત્યા પાછળનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. બીજી તરફ, ફરાર આરોપી જય ઉર્ફે ટિંકુને ઝડપી પાડવા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ સાથે હત્યા પાછળનું કારણ અને આરોપીની ભૂમિકા અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
ધોળા દિવસે જાહેર માર્ગ પર થયેલી આ હત્યાએ ગોત્રી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી કરી છે. યુવકની હત્યા બાદ હુમલાખોર ફરાર છે. ત્યારે હવે પોલીસ સામે આરોપીને ઝડપવાનો પડકાર છે. CCTV ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો અને અન્ય પુરાવાના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે. હત્યા પાછળ ખરેખર દારૂના ધંધાની હરીફાઈ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.