Vadodara : વડોદરા મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર અને પાલિકાના અધિકારી વચ્ચે મારામારીની ઘટના સામે આવતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે. શહેરના વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર મયુર ચોવટિયા અને આસી. એડિશનલ એન્જિનિયર પ્રકાશ રોહિત વચ્ચે ખોડિયારનગરના રામદેવનગર પાસે વરસાદી ગટરના કામને લઈને બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનાના વધુ એક વીડિયો સામે આવતા મામલો ગરમાયો છે. દરમિયાન, બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો પણ તેજ થયા છે.
મળતી માહિતી મુજબ, વડોદરા મહાનગરપાલિકાના આસી. એડિશનલ એન્જિનિયર પ્રકાશ રોહિત સાઇટ પર કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ભાજપના કોર્પોરેટર મયુર ચોવટિયા પોતાના સાગરીતો સાથે ત્યાં પહોંચ્યા હતા. વરસાદી ગટરના ઢાંકણાના મુદ્દે અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
કોર્પોરેટર મયુર ચોવટિયાના જણાવ્યા અનુસાર, તેઓ વરસાદી ગટરના ઢાંકણા અંગે રજૂઆત કરવા ગયા હતા, ત્યારે અધિકારી ઉગ્ર થયા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અધિકારીએ પહેલા પથ્થર લઈને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ અધિકારીને પકડી લીધા હતા અને પછી મારામારીની ઘટના બની હતી.
આ સમગ્ર ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં અધિકારી પ્રકાશ રોહિત પથ્થર લઈને મારતા હોય તેવું જોવા મળે છે. સાથે જ કોર્પોરેટર અને અધિકારી બંને વચ્ચે મારામારી થતી હોવાનું પણ દેખાય છે. જોકે, ઘટનાની સંપૂર્ણ હકીકત અને બંને પક્ષોની ભૂમિકા અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
મારામારીનો મામલો બાપોદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. બીજી તરફ, વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રયાસો શરૂ થયા છે. સમગ્ર મામલો મેયર ગીતાબેન મકવાણાની ઓફિસ સુધી પહોંચ્યો છે. મેયરે બંને પક્ષો સાથે બેઠક યોજી સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ બેઠક બાદ બંને પક્ષો વચ્ચે શું નિર્ણય લેવાય છે અને સમગ્ર વિવાદનો અંત કેવી રીતે આવે છે તેના પર સૌની નજર છે.