Ahmedabad : દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ ખરીદતા પહેલા સતર્ક રહેજો. કારણ કે મીઠાઈ પર લગાવવામાં આવતા વરખને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે શહેરમાં કાર્યવાહી કરીને અખાદ્ય એલ્યુમિનિયમ વરખ બનાવતા વેપારીનો પર્દાફાશ કર્યો છે. કાલુપુરના જૂના ઓક્ટ્રોય નાકા વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી અખાદ્ય વરખનો મોટો જથ્થો મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આ સ્થળેથી એલ્યુમિનિયમ વરખ બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ આ વરખનો સપ્લાય મીઠાઈના વેપારીઓને કરવામાં આવતો હતો. આ વરખનો ઉપયોગ મીઠાઈ પર ચાંદીના વરખ તરીકે કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. એટલે કે, મીઠાઈ પર ચમકતા ચાંદીના વરખ તરીકે જે વસ્તુનો ઉપયોગ થતો હતો તે વાસ્તવમાં ખાવા માટે અયોગ્ય એલ્યુમિનિયમ વરખ હોવાનું સામે આવ્યું છે.
દિવાળીના તહેવારમાં મીઠાઈની ખરીદી અને વપરાશ વધતો હોય છે, ત્યારે AMCના ફૂડ વિભાગની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કાર્યવાહી દરમિયાન AMCના મુખ્ય ફૂડ અધિકારી પણ સ્થળ પર હાજર રહ્યા હતા. અધિકારીઓએ સ્થળ પરથી અખાદ્ય વરખનો જથ્થો ઝડપી પાડ્યો છે.
અખાદ્ય એલ્યુમિનિયમ વરખનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આવી વસ્તુઓના સેવનથી કિડનીને નુકસાન થવાની આશંકા રહે છે. આ ઉપરાંત યાદશક્તિ પર અસર થવી અને શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.