Ahmedabad GMC Exam : અમદાવાદમાં GMC સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા દરમિયાન કોમ્પ્યુટરમાં ટેકનિકલ ખામી સર્જાતાં હોબાળો થયો હતો. પકવાન ચાર રસ્તા પાસે આવેલી એલ.જે. કોલેજ ખાતે યોજાયેલી આ પરીક્ષામાં આશરે 300થી 400 ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા. જોકે, પરીક્ષાની શરૂઆતમાં જ કોમ્પ્યુટરમાં ખામી સર્જાતાં ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ, બપોરે 3:30થી સાંજે 6:30 વાગ્યા સુધી પરીક્ષાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. પરીક્ષા શરૂ થવાના સમયે જ કોમ્પ્યુટરમાં ટેકનિકલ ખામી સર્જાતાં શરૂઆતની અંદાજે 15 મિનિટ સુધી પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો હોવાની વાત સામે આવી છે.
અમદાવાદ પરીક્ષા આપવા માટે દૂર-દૂરથી ઉમેદવારો આવ્યા હતા. લાંબી મુસાફરી કરીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોને જ્યારે કોમ્પ્યુટરની ખામીને કારણે મુશ્કેલી પડી ત્યારે તેઓમાં નારાજગી જોવા મળી હતી. પરીક્ષા કેન્દ્ર ખાતે હોબાળો થતાં કેટલાક ઉમેદવારો પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી ગયા હતા, જ્યારે કેટલાક ઉમેદવારો પરીક્ષા આપવા માટે બેઠા રહ્યા હતા.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન સર્જાયેલી આ અવ્યવસ્થાને લઈને ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી હતી.
બીજી તરફ ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષા મામલે પરીક્ષાના સેન્ટર તરીકે જવાબદારી સંભાળતી એલ.જે. કોલેજ સમગ્ર મામલે કોઈ જવાબ આપવા તૈયાર નથી. પરીક્ષામાં બહાર આવેલા ઉમેદવારોએ ટેકનિકલ ખામીના કારણે પરીક્ષાની પ્રક્રિયા પ્રભાવિત થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉમેદવારોએ આ પરીક્ષા રદ કરીને ફરીથી યોજવાની માંગ કરી છે.
ઉમેદવારોએ આ પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાની માંગ કરી છે. હવે પરીક્ષા સંચાલકો અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને શું નિર્ણય લેવામાં આવે છે, પરીક્ષા રદ કરવામાં આવે છે કે પછી આ ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે તેના પર ઉમેદવારોની નજર છે.