સાહિલ સપ્પા/રાજકોટ: રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ બર્થ-ડે દારૂ પાર્ટીનો મામલો હવે વધુ ચર્ચાસ્પદ બન્યો છે. આ સમગ્ર પ્રકરણમાં સામાજિક અગ્રણી અને પાટીદાર આગેવાન પરષોત્તમ પીપળીયાએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પીપળીયાએ આક્ષેપ કર્યો છે કે કોઈપણ પ્રકારની યોગ્ય તપાસ કર્યા વગર પાર્ટીમાં હાજર લોકોનાં નામ જાહેર કરવા યોગ્ય નથી. નામ જાહેર કરીને પોલીસે મહિલાઓની બદનામી કરી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે.
એટલું જ નહીં, પીપળીયાએ ગુજરાતની દારૂબંધીની નીતિ સામે પણ સવાલો ઉઠાવતાં કહ્યું કે એક જ રાજ્યમાં બે અલગ-અલગ નિયમો ન હોવા જોઈએ. જો ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવતી હોય તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પ્રતિબંધ કેમ? સમગ્ર ગુજરાતમાં દારૂ અંગે એકસમાન નિયમ હોવો જોઈએ તેવી રજૂઆત પણ તેમણે કરી છે.
વધુમાં દારૂની પરમિટ વ્યવસ્થાને લઈને ચોંકાવનારો દાવો કરતાં પીપળીયાએ જણાવ્યું કે દારૂની પરમિટ મેળવવા માટે પણ નાણાં ચૂકવવા પડતા હોય છે. પોતે જ્યારે પરમિટ લીધી ત્યારે 20 હજાર રૂપિયા ભાવ હતો, જ્યારે હાલ એક લાખ રૂપિયા સુધીનો ભાવ ચાલતો હોવાનો દાવો કર્યો છે. આમ, સરાઝા હોટલની પાર્ટીનો વિવાદ હવે પોલીસની કાર્યવાહીથી આગળ વધીને ગુજરાતની દારૂબંધીના કાયદા અને પરમિટ વ્યવસ્થા સુધી પહોંચ્યો છે.
સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી મામલે એક તરફ પોલીસની કાર્યવાહી અને બીજી તરફ પોલીસ દ્વારા નામ જાહેર કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. ત્યારે સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. પીપળીયાના જણાવ્યા અનુસાર, તપાસ પૂર્ણ થયા વગર લોકોનાં નામ જાહેર કરવાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. ખાસ કરીને મહિલાઓની બદનામી થાય છે.
બીજી તરફ દારૂબંધીના કાયદામાં સમાનતા હોવી જોઈએ તેવી પણ તેમણે માગ કરી છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પ્રતિબંધને લઈને તેમણે સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. સાથે જ દારૂની પરમિટ માટે નાણાં ચૂકવવા પડતા હોવાના તેમના દાવાએ પણ દારૂબંધીના અમલીકરણ અને પરમિટ વ્યવસ્થાને લઈને નવી ચર્ચા જગાવી છે.
હવે સવાલ એ છે કે શું ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું અમલીકરણ એકસમાન રીતે થાય છે. શું દારૂની પરમિટ મેળવવાની પ્રક્રિયા પારદર્શક છે. અને સરાઝા હોટલ પાર્ટી મામલે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નામો અંગે ઉઠેલા સવાલોનો જવાબ મળશે? પીપળીયાના નિવેદન બાદ સરાઝા હોટલ પાર્ટીનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.