Ahmedabad News: રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તરણની દિશામાં એક કદમ આગળ વધ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ અંતર્ગત ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધી નદીની બંને બાજુએ 10 કિલોમીટરમાં રૂ. 1,350 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રિવરફ્રન્ટની બંને બાજુએ કુલ લંબાઈ 43 કિલોમીટર થઈ જશે.
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ હેઠળ પર્યાવરણ અને પ્રવાસનને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં લોઅર અને મિડલ પ્રોમિનાડ લેવલ પર 1.25 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. જેમાં 10 વ્યુઇંગ પ્લાઝા, 8 ડેક અને પોન્ટુનનું નિર્માણ થશે. બંને કાંઠે ડાયાફ્રેમ વોલ, એન્કર સ્લેબ અને પ્રથમ રિટેઈનિંગ વોલ સહિતની કામગીરી રૂ. 339.30 કરોડના ખર્ચે મે. આર.કે.સી. ઈન્ફ્રાબિલ્ટને સોંપવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૨ અંતર્ગત નદીના બંને કાંઠે ડનાળાથી ઈન્દિરા બ્રિજ સુધીના 5.50 કિલોમીટર (બંને બાજુ મળીને કુલ 11 કિલોમીટર) વિસ્તારને અંદાજિત રૂ. 1,285 કરોડના ખર્ચે વિકસાવવાની કામગીરી હાલ ચાલી રહી છે, જેનાથી કુલ લંબાઈ 34 કિલોમીટર થશે. ગ્રીન ઝોન, અલગ-અલગ લેવલ પર વૃક્ષારોપણ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ કલ્ચર અને બેસવા માટેની સીટિંગ વ્યવસ્થા ઊભી કરાશે. આ તબક્કાની કામગીરી પૂરી થયા પછી શહેરીજનો વાસણા બેરેજથી ઈન્દિરા બ્રિજ સુધી નદીના સમાંતર લોંગ ડ્રાઈવનો આનંદ માણી શકશે. લોઅર પ્રોમિનાડમાં ડાયાફ્રામ વોલ અને એન્કર સ્લેબની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ચૂકી છે.

