રામાયણ ફિલ્મ હવે ગણતરીના દિવસોમાં ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ થવાની છે. તેવામાં ફિલ્મને લઈને નાની મોટી વાતો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહી છે. દશેરાની ઇવેન્ટ દરમિયાન રણબીર કપૂર એ બોલવામાં કરેલા ફંબલ પછી લોસ એન્જેલસ માં સાંઈ પલ્લવીએ એવી વાત કરી છે જેના કારણે કેટલાક લોકો તેની ટીકા કરવા લાગ્યા છે.
27 ઓક્ટોબરે રામાયણ ફિલ્મનો સ્પેશિયલ શો લોસ એન્જેલસમાં દેખાડવામાં આવ્યો હતો. આ શોમાં કલાકારો પણ પહોંચ્યા હતા. તે સમયે એક મુલાકાત દરમિયાન સાંઈ પલ્લવીએ રાવણના વ્યક્તિત્વને લઈને એક વાત કરી હતી. સાંઈ પલ્લવી પોતાના નિવેદનમાં એવું કહે છે કે રાવણ સંપૂર્ણ રીતે ખરાબ વ્યક્તિ ન હતો. હવે સાંઈ પલ્લવીની આખી વાતમાંથી રાવણને લઈને કહેલી આ વાત કેટલાક લોકોને ખુંચી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે એવું નથી કે દરેક વ્યક્તિ સાંઈ પલ્લવીની ટીકા કરે છે કેટલાક લોકો સાંઈ પલ્લવીના સપોર્ટમાં પણ છે. આમ સોશિયલ મીડિયા પર હાલ બે પાર્ટમાં લોકો વાત કરી રહ્યા છે.
સાંઈ પલ્લવીને રામાયણ ફિલ્મને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો હતો તેના જવાબમાં તેણે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ ભારતીય સંસ્કૃતિ કે મહાકાવ્યોને સમજવા માંગે છે તો તેના માટે રામાયણ ફિલ્મ સારી શરૂઆત હોઈ શકે છે. સાંઈ એ આગળ કહ્યું કે જો રામાયણને ધર્મગ્રંથ માનીને તેના પર વિશ્વાસ કરો છો તો દરેક વ્યક્તિએ આત્મચિંતન કરવું જરૂરી છે અને પોતાની અંદર રહેલા સારા અને ખરાબ વ્યક્તિત્વને ઓળખવા જોઈએ અને સમયની સાથે પોતાની જાતને સુધારતા જવું જોઈએ. કારણકે રાવણ પણ સંપૂર્ણ રીતે ખરાબ વ્યક્તિ ન હતો એટલે જરૂરી છે કે આપણે આપણી અંદરના રાવણને ઓળખીએ અને સમયની સાથે પોતાને બદલવા પર કામ કરીએ.
સાંઈ પલ્લવીના આ નિવેદન પછી કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે સાંઈ પલ્લવી એક અપહરણ કરનાર વ્યક્તિના વખાણ કઈ રીતે કરી શકે ? રાવણ ખરાબ ન હતો તે વાતને લઈને સાંઈ પલ્લવીની ટીકા કરવામાં આવી રહી છે. તો કેટલાક લોકો તેના સપોર્ટમાં પણ બોલી રહ્યા છે. યુઝર્સ નું કહેવું છે કે સાંઈ પલ્લવીએ સાચું જ કહ્યું છે, રાવણ પરમ શિવભક્ત હતો, મહાન સંગીતકાર હતો. આ રીતે તેની અંદર પણ સારી બાબતો હતી. એક યુઝરનું એવું પણ કહેવું છે કે આપણા દેશમાં ઘણી જગ્યાએ રાવણને બાળવામાં આવે છે અને ઘણી જગ્યાએ રાવણને પૂજવામાં પણ આવે છે. તે વાત સાબિત કરે છે કે વ્યક્તિ સંપૂર્ણ રીતે ખરાબ ન હતો.
મહત્વપૂર્ણ છે કે નીતીશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણ ફિલ્મ દિવાળી પહેલા 5 નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ ભારતનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, યશ સહિત દિગ્ગજ કલાકારો મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે. રામાયણ ફિલ્મ બે પાર્ટમાં રિલીઝ થવાની છે જેનો પહેલો પાર્ટ દિવાળી પર જોવા મળશે.