દેશમાં હવામાનના બે અલગ-અલગ સ્વરૂપ જોવા મળી રહ્યાં છે. ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે, તો દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં આંધી-વરસાદ જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પહાડી વિસ્તારમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. બીજીતરફ તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં શિયાળાની અસર ઝડપથી વધી રહી છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ 1.6 ડિગ્રી નોંધાયું, જે આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે. પહેલગામમાં તાપમાન માઇનસ 4.6 ડિગ્રી પહોંચી ગયું. શોપિયાં અને પુલવામા સહિત ઘાટીના ઘણા વિસ્તારમાં પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે.
દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા વિસ્તારમાં ઠંડી વધી રહી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રી વચ્ચે છે. પહાડી રાજ્યોમાં ઘણી જગ્યાએ તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. ઠંડીની અસરને કારણે વહેલી સવારે ધૂમ્મસ પણ જોવા મળી રહી છે.
ઉત્તર ભારતથી વિપરીત દક્ષિણ ભારતમાં હવામાનનો મિજાજ અલગ છે. તમિલનાડુ, પુડુચેરી, કલાઈકલ અને કેરળમાં 24થી 27 નવેમ્બર વચ્ચે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઘણા વિસ્તારમાં ગાજ-વીજ, વીજળી પડવા અને ભારે પવન ફૂંકાવાની આશંકા છે. કેટલીક જગ્યાએ પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે.
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારમાં હાલ હવામાન શુષ્ક અને સામાન્ય રહેવાનું અનુમાન છે. મુંબઈ અને આસપાસના સમુદ્રી વિસ્તારમાં દિવસનું તાપમાન 33થી 35 ડિગ્રી રહી શકે છે. તો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના આંતરિક વિસ્તારમાં હવામાન સામાન્ય રહેશે.
દક્ષિણ ભારતમાં વરસાદના સમાચાર વચ્ચે તે સવાલ ઉઠી રહ્યો છે કે શું કોઈ ચક્રવાતી તોફાન ભારત તરફ આગળ વધી રહ્યું છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર 24 નવેમ્બર 2026 સુધી ભારત તરફ વધતું કોઈ સક્રિય ચક્રવાતી તોફાન નથી. દક્ષિણ ભારતમાં વરસાદનું મુખ્ય કારણ પૂર્વી હવાઓનો પ્રભાવ છે.
આગામી ચાર દિવસ કેવું રહેશે હવામાન?
24થી 28 નવેમ્બર વચ્ચે ઉત્તર ભારમાં ઠંડી વધવા અને રાત્રે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. સવારે ધૂમ્મસને કારણે સમસ્યા થઈ શકે છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને કેરળના ઘણા વિસ્તારમાં 27 નવેમ્બર સુધી વરસાદ જોવા મળી શકે છે. પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન શુષ્ક રહેશે.