પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ભાજપ-શિરોમણિ અકાલી દળ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી છે. સાથે તેમણે મુખ્યમંત્રીના ચહેરા પર પણ વલણ સ્પષ્ટ કર્યું છે. અમિત શાહે કહ્યુ, 'પંજાબમાં મોટા ભાઈની ભૂમિકામાં અકાલી દળ રહેશે. અમે તમામ 117 સીટો પર સાથે લડીશું. મોટો ભાઈ જ મુખ્યમંત્રી હશે. એટલે કે અકાલી દળના નેતા જ મુખ્યમંત્રીનો ચહેરો હશે.'
અમિત શાહે આ જાહેરાતની સાથે નેતાઓ અને કાર્યકર્તાઓને સંદેશ આપ્યો કે તેઓ અકાલી દળની સાથે મળી મેદાનમાં ઉતરે. પરંતુ અકાળી દળ અને ભાજપે સીટ શેયરિંગ મુદ્દે સ્પષ્ટ જાહેરાત કરી નથી.
અમિત શાહે કહ્યુ કે અમે બંને મળીને નક્કી કરીશું. તેમણે કહ્યું કે આજથી અકાલી દળ રાજનીતિમાં NDA ના સત્તાવાર સહયોગીના રૂપમાં કામ કરશે. અમે સાથે મળી ઘણી ચૂંટણી લડી છે, જેમાં જીત અને હાર બંને જોઈ છે. છતાં અમારો સંબંધ અતૂટ રહ્યો છે.
તો શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે કહ્યુ કે પંજાબમાં એક એવું ગઠબંધન છે, જે લોકોની ભાવનાઓને દર્શાવે છે. સમાજના દરેક વર્ગ અને ધર્મના લોકો ઈચ્છે છે કે પંજાબમાં અકાલી દળ અને ભાજપ એક સાથે આવે.
અમિત શાહે જણાવ્યુ કે તેઓ નશા મુક્તિ, ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અને રાષ્ટ્રવાદી શક્તિે પ્રોત્સાહન આપવાના મુદ્દે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે 31 ડિસેમ્બર 2029 સુધી અમે પંજાબમાં નશો ખતમ કરી દેશું.
નોંધનીય છે કે પંજાબમાં અકાલી દળ લાંબા સમય સુધી ગઠબંધનમાં રહ્યાં, પરંતુ ખેડૂતોના મુદ્દા પર અકાલી દળે વર્ષ 2020મા ભાજપ સાથે ગઠબંધન તોડી દીધું હતું. ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓને ઝટકો લાગ્યો હતો. ભાજપને માત્ર બે સીટો મળી. તો અકાલી દળને ત્રણ સીટ મળી હતી.