વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ઉધઈ કેવી રીતે લાગી છે, તેનો જીવતોજાગતો પુરાવો રાજકોટમાં સામે આવ્યો છે... રાજકોટ જિલ્લા પંચાયતનું નવું ભવન હજુ તો બનીને તૈયાર થાય તે પહેલાં જ તેમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે... એટલું જ નહીં ચોંકાવનારી વાત તો એ છે કે, આ જ બાંધકામ સાઈટ પર દારૂની મહેફિલો જામતી હોવાનો ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો છે... ભ્રષ્ટાચાર અને બેદરકારીના તંત્રના ખેલ પર જોઈએ આ ખાસ રિપોર્ટ...જનતાની વાતમાં.
રાજકોટ જિલ્લા પંચાયતના નિર્માણાધીન નવા ભવનના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે... જ્યાં હજુ માત્ર 65 ટકા જ કામ પૂર્ણ થયું છે, પરંતુ ભ્રષ્ટાચાર 100 ટકા છતો થયો છે... જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓએ જ્યારે સાઈટ પર સરપ્રાઈઝ વિઝીટ કરી, ત્યારે નબળા બાંધકામની પોલ ખૂલી ગઈ. પદાધિકારીઓનો સીધો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર ડેનિશ સોરઠીયા અને માર્ગ-મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર શિવાંગ ચૌધરીની મિલીભગતથી નવા બિલ્ડિંગમાં જૂના સળિયા, ઈંટોના કટકા અને પ્રતિબંધિત સિલિકા રેતીનો ઉપયોગ થઈ રહ્યો છે. 29 કરોડના અંદાજ સાથે શરૂ થયેલું કામ 36 કરોડે પહોંચ્યું છતાં ગુણવત્તાના નામે મીંડું જોવા મળતાં પદાધિકારીઓએ ડેપ્યુટી ઈજનેરનો બરાબરનો ઉધડો લીધો... અને જો DDO દ્વારા કડક પગલાં નહીં લેવાય તો ખુદ પદાધિકારીઓએ જ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
બિલ્ડીંગ બનતા પહેલા જ પોલ ખુલી! સરપ્રાઈઝ વિઝિટમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ ઝડપાતા પદાધિકારીઓ લાલઘૂમ #rajkot #buildingconstruction #constructionquality #gujarat #viralvideo https://t.co/t7mLEglr3b
— Zee 24 Kalak (@Zee24Kalak) November 24, 2026
જિલ્લા પંચાયતના બાંધકામમાં ભ્રષ્ટાચાર બહાર આવતા જ રાજકારણ પણ ગરમાયું છે... કોંગ્રેસે આ મામલે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા અને પૂર્વ વિપક્ષ નેતા મનસુખ સાકરીયાએ તંત્રને શાબ્દિક રીતે આડેહાથ લીધું.
એક તરફ ઉદ્ઘાટન પહેલાં જ જિલ્લા પંચાયતનું ભવન ભ્રષ્ટાચારના વિવાદમાં સપડાયું છે, ત્યારે આ બાંધકામ સાઈટ પર દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા હોવાનો ખુલાસો ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં થયો.. બાંધકામ સાઈટ પર ઠેર-ઠેર દારૂની ખાલી બોટલો, બિયરના ટીન અને દારૂના ચપલા મળી આવ્યા... ત્યારે સરકારી ભવનની અંદર જ દારૂની મહેફિલો જામતી હોવાના પુરાવા સામે આવતા સુરક્ષા અને તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.
અહીં સવાલ જનતાના પરસેવાના 36 કરોડ રૂપિયાનો છે... જો બિલ્ડિંગ બનતી વખતે જ જૂના સળિયા અને હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોય, તો આવતીકાલે આ ભવનમાં બેસનારા અધિકારીઓ અને મુલાકાતીઓના જીવની સુરક્ષાની જવાબદારી કોની?... અને સૌથી મોટો સવાલ એ છે કે શું DDO માત્ર તપાસના આદેશ આપીને સંતોષ માનશે, કે પછી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને જવાબદાર ઈજનેર સામે કોઈ કડક કાર્યવાહી પણ થશે