ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ તે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે કહ્યું તેણે ભાજપની ચિંતા વધારી છે. તેમના જણાવ્યાં મુજબ પ્રદેશમાં 1.27 કરોડ હિન્દુ મત ઘટી ગયા છે. આટલા મોટા પાયે હિન્દુ મતદારો વોટર લિસ્ટમાંથી બહાર થવાનો દાવો થતા હવે પાર્ટીએ તેમને ફરીથી મતદાર યાદીમાં સામેલ કરા માટે અભિયાન ચલાવવાનો પણ નિર્ણય કર્યો છે. ભાજપે પોતાના જિલ્લા સ્તરના નેતાઓને દરેક વિધાનસભા વિસ્તારમાં 10થી 25 હજાર યોગ્યતા ધરાવતા મતદારોને ફરીથી જોડવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પાર્ટીનું માનવું છે કે જો 40 લાખથી 80 લાખ નામ પણ ફરીથી જોડાશે તો તે તેમના માટે પૂરતું થઈ રહેશે.
આ અભિયાનની શરૂઆત 20 નવેમ્બરથી થાય તેવી ધારણા છે. તેના ત્રણ દિવસ પહેલા એટલે કે 17 નવેમ્બરે SSR બાદ મતદાર યાદીનો ડ્રાફ્ટ બહાર પડવાનો છે. ભાજપ નેતૃત્વએ આગામી એક મહિના સુધી અન્ય કાર્યક્રમોની જગ્યાએ મતદાર યાદીને ઠીક કરાવવા પર ધ્યાન આપવાનો નિર્ણય કર્યો છે.
મીડિયા રિપોર્ટમાં પાર્ટી સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે પ્રદેશની તમામ 403 વિધાનસભા સીટોને ધ્યાનમાં રાખીને આ અભિયાન ચલાવવામાં આવશે. ભાજપનું એવું આકલન છે કે દરેક વિધાનસભા વિસ્તારમાં સરેરાશ 31 હજારથી વધુ મતદારોના નામ હટી ગયા છે. આવામાં પાર્ટીએ દરેક સીટ પર 10 હજારથી 25 હજાર પાત્રતા ધરાવતા મતદારોના નામ ફરીથી જોડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
લખનઉમાં શુક્રવારે થયેલી બેઠકમાં ભાજપના જિલ્લા અધ્યક્ષો અને પ્રભારીઓને આ લક્ષ્ય સોંપવામાં આવ્યો. બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પંકજ ચૌધરી હાજર હતા. પાર્ટી નેતાઓને બૂથ સ્તર સુધી જઈને મતદારોનો સંપર્ક કરવા અને તેમને જરૂરી ફોર્મ ભરવામાં મદદ કરવાના નિર્દેશ અપાયા છે. એક નેતાના જણાવ્યાં મુજબ મુખ્યમંત્રીએ આગામી એક મહિનાને આ કામ માટે 'અંતિમ તક' ગણાવી છે અને તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવા પર ભાર મૂક્યો છે.
ભાજપે SIR દરમિયાન અન્ય વિધાનસભા વિસ્તાર કે અન્ય રાજ્યમાં જતા રહેલા મતદારોને અભિયાનમાં પ્રાથમિકતા આપવાની રણનીતિ ઘડી છે.
આ ઉપરાંત મહિલાઓ અને પહેલીવાર મત આપનારા યુવાઓના નામ પણ મતદાર યાદીમાં સામેલ કરવા પર ભાર રહેશે.
ભાજપનું કહેવું છે કે SIR દરમિયાન મોટા પ્રમાણમાં શહેરી મતદારોએ પોતાના ગ્રામીણ એડ્રસ પર નામ નોંધાવ્યું. પાર્ટી એવા લોકોનો સંપર્ક કરીને તેમના નામ ફરીથી શહેરી વિધાનસભા વિસ્તારોમાં ટ્રાન્સફર કરવાની કોશિશ કરશે. જે લોકો બીજા રાજ્યોમાં જઈને ત્યાંની મતદાર યાદીમાં નામ નોંધાવી ચૂક્યા છે તેમને યુપીમાં પાછું નામ દાખલ કરવાની ભલામણ કરાશે. વર્તમાન મતદાર યાદીમાં મહિલાઓનો લિંગ ગુણોત્તર 834 છે. ભાજપનું આકલન છે કે SIR દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓના નામ છૂટ્યા છે કે હટી ગયા છે. યોગ્યતાવાળી મહિલાઓના નામ જોડવામાં મદદ કરાશે. આ ઉપરાંત 18થી 19 વર્ષના યુવાઓ પર ભાર મૂકાશે જે યોગ્ય હોવા છતાં મતદાર યાદીમાં જગ્યા બનાવી શક્યા નથી.
આ બેઠકમાં ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ પણ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે મતોના અંતરનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યાં મુજબ 2017માં બંને પક્ષો વચ્ચે મતોનું અંતર 1.55 કરોડ હતું. જે 2022માં ઘટીને 85 લાખ રહી ગયું હતું. પાર્ટી નેતાઓનું માનવું છે કે મતદાર યાદીમાં સામે આવેલા આ અંતરને ગંભીરતાથી લેવાની જરૂર છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાર્ટી નેતાઓને વિધાનસભા ચૂંટણીની મતદાર યાદીને પંચાયત ચૂંટણીની મતદાર યાદી અને સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓના આંકડાઓ સાથે મેળવણી કરવાનો આદેશ આપ્યો છે. તેને હેતુ જેમના નામ વિધાનસભા ચૂંટણીની મતદાર યાદીમાં નથી એવા યોગ્ય મતદારોની ઓળખ કરવાનો છે.
અત્રે જણાવવાનું કે વિધાનસભા ચૂંટણીની મતદાર યાદી ભારતીય ચૂંટણી પંચ તૈયાર કરે છે જ્યારે પંચાયત ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચ અલગ યાદી તૈયાર કરે છે.
યોદી આદિત્યનાથે 8 નવેમ્બરે એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે પંચાયત ચૂંટણીની મતદાર યાદીમાં સામેલ 1.27 કરોડ હિન્દુ મતદારોના નામ SIR દરમિયાન તૈયાર થયેલી વિધાનસભા મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા. મુખ્યમંત્રીએ ત્યારે કહ્યું હતું કે તેમાં 66 લાખ એવા મતદારો છે જેમના નામ ગાયબ થયા છે. જેમાં 55 લાખ એવા હિન્દુ મતદારો સામેલ હોવાનું કહેવાયું જેમને સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે છે જ્યારે 18થી 19 વર્ષની ઉંમરના 4.5 લાખ મતદારોના નામ હજુ પણ યાદીમાં સામેલ નથી.
સીએમ યોગીએ કહ્યું કે જ્યારે પ્રદેશમાં SIR પ્રક્રિયા ચાલુ હતી ત્યારે તે વખતે પંચાયત ચૂંટણીની મતદાર યાદી પણ બનવા લાગી હતી. તે સમયે લોકોને એવું લાગ્યું કે એક જ વોટર લિસ્ટમાં નામ હોવું જોઈએ આથી તેમણે ગામડાની પંચાયત વોટર લિસ્ટમાં નામ એડ કરાવી લીધુ. તેમણે જણાવ્યું કે આ રીતે લોકોના નામ વિધાનસભા વોટર લિસ્ટમાં નોંધાઈ શક્યું નહીં.
સીએમ યોગીએ કહ્યું કે પાર્ટીના કાર્યકરો લોકોને એ સમજાવી શક્યા નહીં કે પંચાયત અને વિધાનસભા વોટર લિસ્ટ અલગ અલગ હોય છે. આથી ભ્રમના કારણે આવું બન્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ લોકોના નામ લિસ્ટમાં સામેલ કરાવવા માટે પાર્ટી અભિયાન ચલાવશે.