Kaziranga Accident: આસામના કાઝીરંગા નેશનલ પાર્ક નજીક શુક્રવારે વહેલી સવારે ભયંકર દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 26 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મુસાફરોથી ખચાખચ ભરેલી મીન બસ અને ટ્રક વચ્ચે થયો હતો. મૃતકોમાં બાળકો, મહિલાઓ અને પોતાના ઘરે પરત ફરતાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
અકસ્માત અંગે પોલીસ તરફથી મળતી જાણકારી અનુસાર દુર્ઘટના કાઝીરંગા નેશનલ પાર્ક નજીક રંગાજન વિસ્તારમાં નેશનલ હાઈવે-715 પર થઈ છે. અકસ્માત પછ મળેલી પ્રાથમિક જાણકારી અનુસાર મીની બસ ગોલાઘાટથી નગાંવ તરફ થઈ રહી હતી. જ્યારે ટ્રક તેની સામેથી આવી રહ્યો હતો. બંને વાહન આમને સામને ટકરાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે મીની બસનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો.
અકસ્માત બાદ હાઈ વે પર કમકમાટી ઉપજે એવા દ્રશ્યો સર્જાયા હતા. મીની બસમાં 45 લોકો સવાર હોય તેવી જાણકારી સામે આવી છે. જેમાં મોટાભાગે એવા વિદ્યાર્થી હતા જેઓ રજામાં પોતાના ઘરે જઈ રહ્યા હોય. મીની બસમાં સવાર 26 લોકોના કમકમાટી ભર્યા મોત બસમાં થયા જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા છે.
અકસ્માતનું પ્રાથમિક કારણ ઓવરસ્પીડ હોવાનું જણાય છે. આ અંગે પોલીસ તપાસ શરુ કરી ચુકી છે. સાથે જ વાત એવી પણ સામે આવે છે કે બસ ઓવરલોડ હતી. એટલે કે બસમાં કેપેસીટી કરતાં વધારે મુસાફર હતા. જાણવા મળતી માહિતી અનુસાર બસની સીટીંગ કેપેસિટી 27 હતી જ્યારે બસમાં 45 લોકો સવાર હતા.
હાઈ વે પર થયેલી દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, વરિષ્ઠ અધિકારી અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરુ કરી દીધું હતું. હોસ્પિટલમાં દાખલ ઘાયકોમાંથી પણ કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી હિમંત બિસ્વા, ગૃહમંત્રી અમિત શાહ, પીએમ મોદી સહિતનાઓ દુ:ખ વ્યક્ત કર્યું છે.
આસામમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાને 50-50 હજાર રુપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.