ફારસની ખાડી પાસે દમ્મામમાં આવેલા કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ વખતે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ બહેરીન અને કતરની એકદમ નજીક છે. જોકે તાજેતરમાં થયેલા એરપોર્ટ એટેક અંગે હુથી વિદ્રોહીઓ દ્વારા કોઈ ટીપણી કરવામાં આવી નથી. છેલ્લા કેટલાક સમયથી હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરબના મુખ્ય એરપોર્ટને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટ સિવાય સાઉદી અરબની મોટી તેલ કંપની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
એરપોર્ટ પર થયેલા હુમલા પહેલા સાઉદી અરબમાં અરામકો દ્વારા સંચાલિત તેલ વિસ્તારમાં ચાર ડ્રોન ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા. જોકે ઇન્ટરસેપ્ટ કરેલા ડ્રોનનો કાટમાળ પડવાથી 2 લોકોના મોત થયા અને બે લોકો ઘાયલ થયા. જે બે લોકોના મોત થયા તેમાંથી એક નેપાળી અને એક ફિલિપિન નો નાગરિક હોવાની જાણકારી સાઉદીના ઉર્જા મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. જ્યારે ઘાયલોમાં એક પાકિસ્તાની અને એક ભારતીય નાગરિક હોવાનું સામે આવ્યું છે. આ પહેલા ગત મહિનામાં પણ ઈન્ટરસેપ્ટ કરેલા ડ્રોનના કારણે સાઉદી અરબમાં રહેતા એક યમનના નાગરિકનું મોત થયું હતું
મહત્વપૂર્ણ છે કે હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરબમાં અલગ અલગ જગ્યાએ ડ્રોન અને મિસાઈલ એટેક કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી લોકોમાં હુમલાને લઈને ભયનું વાતાવરણ છે. સાઉદી અરબમાં રહેતા ભારતીય માટે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લોકો ખુલ્લી જગ્યાએ રહેવાનું ટાળે અને ઘરની અંદર સુરક્ષિત સ્થાન હોય ત્યાં જ રહે.
ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં સાઉદી અરબના પૂર્વે વિસ્તારમાં આવેલી દુનિયાની સૌથી મોટી તેલ કંપનીમાંથી એક અરામકો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તે પહેલા કિંગ રિયાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો થયો હતો. જ્યારે હવે હુથી વિદ્રોહીઓ દ્વારા કિંગ ફહાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને આઠ લોકો ઘાયલ થયા છે.