એકબાજુ વૈશ્વિક સ્તરે અનેક ઠેકાણે યુદ્ધની સ્થિતિ, હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ પણ તણાવ યથાવત જેવા પરિબળો વચ્ચે જેની ચિંતા હતી તે જોવા મળી રહ્યું છે. સામી દીવાળીએ અદાણી ગેસ દ્વારા એકવાર ફરીથી સીએનજીમાં ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. પ્રતિ કિલો ભાવમાં 4.45 રૂપિયાનો વધારો થયો છે.
અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિ કિલો પોણા પાંચ રૂપિયા જેટલો ભાવ વધારો કરાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ મોંઘો થવા અને પશ્ચિમ એશિયાના તણાવને કારણે આ ભાવવધારો કરવામાં આવ્યો છે. સીએનજી મોંઘો થતાં લોકલ ટ્રાન્સપોર્ટેશન પ્રભાવિત થશે અને રિક્ષા-કેબ ચાલકો દ્વારા ભાડાં વધારવાની માંગ થઈ શકે છે.
અદાણી ટોટલ ગેસના જાહેર થયેલા ત્રિમાસિક પરિણામો મુજબ કંપનીનો ચોખ્ખો નફો 5.9 ટકા વધીને ₹173 કરોડ થયો છે.
સાઉદી અરબ પર વધતા હુમલાઓ અને દુનિયાને ઓઈલ સપ્લાય ખોરવાય એવી આશંકાના પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ એક સપ્તાહની સૌથી મોટી તેજી જોવા મળી છે. જેનાથી ભારત જેવા દેશોમાં મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ પર દબાણ રહેવાનું જોખમ તોળાઈ રહ્યું છે. એટલે કે આવનારા દિવસોમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો ઝીંકાય તો નવાઈ નથી. અત્રે જણાવવાનું કે એક બેરલ ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ડોલરનો વધારો થવાના કારણે કંપનીઓને લગભગ 6 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થાય છે. ઈરાન અને અમેરિકા યુદ્ધથી અત્યાર સુધીમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 85 ટકાથી વધુનો વધારો થઈ ચૂક્યો છે. આમ છતાં જો કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફક્ત 8.50 રૂપિયા જેટલા વધ્યા છે.
ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ 113 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયુ હતું. જ્યારે અમેરિકી ક્રૂડ ઓઈલ WTI લગભગ 99 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત તેજી રહેવાથી ભારત જેવા મોટાભાગે આયાત કરતા દેશોને ફટકો પડી શકે છે.