શનિવારે પેરિસમાં રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓને રોકવા અને વિખેરવા માટે પોલીસે આંસુ ગેસ છોડ્યા હતા. જ્યારે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. પેરિસમાં રૈલી પર લગાવેલા પ્રતિબંધને તોડી લોકો રસ્તા પર ઉતર્યા હતા. જેના કારણે પોલીસે 2 આયોજકોની ધરપકડ કરી લીધી છે. જાણવા મળતી માહિતી અનુસાર શનિવારે આખા ફ્રાંસમાં મોંઘવારી વિરુદ્ધ લાખો લોકોએ અલગ અલગ જગ્યાએ માર્ચ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ જાહેર રસ્તા પર આગ લગાવી હતી. જ્યારે 200 લોકોના એક સમુહ એ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ટોળાને વિખેરવા માટે પોલીસ પણ આંસુ ગેસ છોડી ઉપદ્રવીઓની ધરપકડ કરી લીધી હતી.
મહત્વપૂર્ણ છે કે આ ચોથું સપ્તાહ છે જેમાં આ પ્રકારના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હોય. 3 દિવસ પહેલા પણ વિરોધ પ્રદર્શન થયા હતા પરંતુ તે શાંતિપૂર્ણ રહ્યા જ્યારે શનિવારે પેરિસમાં થયેલું વિરોધ પ્રદર્શન ઉગ્ર થઈ ગયું હતું. ફ્રાંસમાં આ વિરોધ પ્રદર્શન વધતા જીવન નિર્વાહ ખર્ચ, સાર્વજનિક સેવા, શિક્ષા અને વધતી મોંઘવારી મુદ્દે થઈ રહ્યા છે. જેના કારણે ફ્રાંસમાં ગંભીર નાગરિક અશાંતિની સ્થિતિ સર્જાઈ છે.