ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાતને લઈને વાતચીત ચાલી રહી છે. જો બધું બરાબર રહ્યું તો નવેમ્બર મહિનામાં જ ચીનના શેનઝેન શહેરમાં વિશ્વની 3 મહાશક્તિઓ વચ્ચે બેઠક થઈ શકે છે. આ બેઠકનું આયોજન થશે તો ભારત સહિત દુનિયાભરના દેશોની નજર તેના પર હશે. આ બેઠકમાં કયા મુદ્દાની ચર્ચા થશે અને બેઠક બાદ શું નિર્ણય લેવાશે તેના પર સૌની નજર હશે.
રોયટર્સના જણાવ્યા અનુસાર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે ચીન, રશિયા અને અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષોની બેઠકને લઈને ચીન બંને દેશના સંપર્કમાં છે. આ મુલાકાત એશિયા પૈસિફિક ઈકોનોમિક કોઓપરેશનના નેતાઓના સંમેલન દરમિયાન થઈ શકે છે. જેમાં અમેરિકા અને રશિયા સહિત 21 દેશો સામેલ થવાના છે.
અનુમાન છે કે રાષ્ટ્રપતિ ટ્રંપ આ સંમેલનમાં જશે અને ત્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત પણ કરશે. કારણ કે બંને દેશ વચ્ચે એક વ્યાપારિક સમજૂતી થઈ હતી જે જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહી છે. ટ્રંપ અને જિનપિંગની મુલાકાત પર બધાની નજર હશે કારણ કે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી.
બીજી તરફ એવું પણ જાણવા મળે છે કે ચીનની મુલાકાત દરમિયાન ટ્રંપ જિનપિંગને મળી અને પરમાણુ હથિયારો પણ નિયંત્રણ મામલે ચર્ચા કરવા માંગે છે. જ્યારે પુતિન આ બેઠકમાં યૂક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા કરવા માંગે છે. તેવામાં જો ચીન, અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ એક સાથે એક મંચમાં જોવા મળશે તો તે મોટી કૂટનૈતિક ઉપલબ્ધી હશે.
જો કે જાણકારોનું કહેવું એવું પણ છે કે ત્રણેય દેશના ઈરાદા અને હિત એકબીજાથી અલગ છે. તેવામાં ત્રણેય દેશના વડા વચ્ચે બેઠક થાય તો પણ કોઈ મોટી સમજૂતી થાય કે કોઈ મુદ્દે સહમતિ બને તે સરળ નહીં હોય. હવે જોવાનું રહ્યું કે આ બેઠક શક્ય બને છે કે નહીં અને જો 3 મહાશક્તિઓ એક સાથે આવશે તો તેનું પરિણામ શું આવશે.