રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં ચાલતી હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા. ડેકોરા બિલ્ડર ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસની એડવાન્સ પાર્ટીનું આ આયોજન હતું. જેમાં દારૂ અને હુક્કાની મહેફિલ જામી હતી. જેના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં 38 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં પાર્ટીમાં સામેલ 35 લોકો અને હોટેલના સ્ટાફમાંથી 3 લોકોનો સમાવેશ થાય છે. રાજકોટ અને મોરબીના લોકો આ પાર્ટીમાં સામેલ હતા. આ હાઈપ્રોફાઈલ પાર્ટીએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. આ મામલે મોટા અપડેટ એ આવ્યા છે કે કેટરિંગમાં સંકળાયેલા 15થી વધુ કર્મચારીઓની પોલીસે અટકાયત કરી છે.