Rajkot Saraza Hotel Liquor Party Raid: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે પણ કાયદાના ધજાગરા ઉડાવતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર LCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં રેડ કરી પોલીસે 33 મહિલા અને 43 પુરૂષોને પાર્ટી કરતાં ઝડપ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ડેકોરા બિલ્ડર ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસ નિમિતે સરાઝા હોટલમાં દારૂ પાર્ટીની મહેફિલ જામી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે રાજકોટના ઈતિહાસની આ સૌથી મોટી હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાંની એક છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણેસ રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલના બીજા માળે આવેલા બેન્કવેટ હોલમાં આ ભવ્ય દારૂ અને હુક્કા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડેકોરા બિલ્ડર ગ્રુપના જમન પટેલના પુત્ર નિખિલ પટેલ અને ચિરાગ પટેલ દ્વારા આ પાર્ટી રાખવામાં આવી હતી. ચિરાગ પટેલનો જન્મદિવસ દિવાળીના સમય નજીક હોવાથી એડવાન્સમાં આ જન્મદિવસની ઉજવણી માટે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દારૂ અને હુક્કાની મહેફિલ જામી હતી.
મળતી માહિતી મુજબ, સરાઝા હોટલના બીજા માળે ચાલી રહેલી પાર્ટી પર એલસીબી પોલીસ દ્વારા રેડ કરાઈ હતી. આ પાર્ટીમાંથી કુલ 76 જેટલા લોકો ઉપસ્થિત હતા, જેમાં ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, તબીબો, રાજનેતાઓના સંબંધીઓ તેમજ જાણીતા પરિવારના નબીરાઓ અને તેમની પત્નીઓ પણ સામેલ હતી. એવું જાણવા મળી રહ્યું છે કે અંદાજિત 33 જેટલી મહિલાઓ અને 43 જેટલા પુરૂષો આ પાર્ટીમાં હાજર હોવાનું ખુલ્યું છે.
જે સમયે હાઇપ્રોફાઇલ પાર્ટી પૂરજોશમાં ચાલી રહી હતી, તે જ સમયે LCB ઝોન-2ની ટીમે બાતમીના આધારે હોટલ પર રેડ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે રેડની કાર્યવાહી કરી ત્યારે અફરાતફરી મચી ગઈ હતી અને મહિલાઓએ પોતાના ચહેરા છુપાવવા માટે ટેબલના ક્લોથનો સહારો લીધો હતો. પોલીસે ઘટનાસ્થળેથી તમામ મહિલાઓ અને પુરૂષોને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ અને બ્લડ સેમ્પલ લેવા માટે ખસેડ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં સરાઝા હોટલમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 3 કેરેટ ભરીને દારૂની બોટલો તેમજ અંદાજે 25થી વધુ દારૂની બોટલો અને હુક્કાઓ કબ્જે કરાયા છે. પાર્ટીમાં મહેમાનોને દારૂ પીરસવા માટે હોટલના કેટરિંગ સ્ટાફની પણ સંડોવણી સામે આવી છે. પોલીસે 15થી વધુ કેટરિંગ સ્ટાફના સભ્યોની અટકાયત કરી છે અને તેમને પણ મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ACP બી.જે. ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
આ સમગ્ર મામલે DCP ઝોન-2 રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, "પાર્ટીનું આયોજન કોણે કર્યું તે તપાસનો વિષય છે, દારૂનો જથ્થો અને બોટલો કેટલી છે તેની તપાસ ચાલી રહી છે અને કેટલા લોકોએ દારૂ પીધો હતો તેનો ચોક્કસ આંકડો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. જો કે, પોલીસના આ પ્રકારના ગોળગોળ નિવેદનો અને ઢીલી કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.
નોંધનીય છે કે પોલીસના દરોડાને 8 કલાક જેટલો સમય વીતી ગયા બાદ પણ પાર્ટીનું આયોજન કોનું હતું તે અંગે પોલીસ અસ્પષ્ટ કેમ છે? પોલીસે કરેલા દરોડામાં કોણ દારૂ લાવ્યું હતું અને હોટેલમાંથી કેટલી દારૂની બોટલ ઝડપાઇ તે સ્પષ્ટ કેમ સામે નથી આવ્યું? સામાન્ય ગુનેગારોને પ્રોહિબિશનના કેસમાં તાત્કાલિક જેલભેગા કરતી પોલીસ, આ હાઇપ્રોફાઇલ કેસમાં કેમ માત્ર નોટિસ આપવાની વાતો કરી રહી છે? જો પોલીસ કાયદાકીય પ્રક્રિયામાં કંઈ છુપાવી રહી નથી, તો દરોડા દરમિયાન અચાનક હોટેલની લાઇટો કેમ બંધ કરવામાં આવી હતી?