Gujarat Rain : દ્વારકા જીલ્લાના ભાડથર, કેશોદ અને રાજપરા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ભાણવડના ચોખંડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના ખેતરમાં પડેલ પાક અને ઘાસચારાને નુકસાન થયું છે.
રાજકોટના ઉપલેટા અને ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ભારે પવન સાથે વરસેલા વરસાદથી કપાસ, તુવેર, સોયાબીન, મગફળી અને એરંડાના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. એરંડાનો પાક ઢળી પડ્યો તો મગફળીના પાથરા અને પશુઓનો ચારો પણ પલળી ગયો છે.
જસદણના ડોડિયાળા, મેઘપર, બિલડી, સિસક અને વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતરોમાં લણણી કરીને રાખેલા મગફળીના પાથરા અને પશુઓ માટેનો ચારો પલળી ગયા છે. આ અણધાર્યા વરસાદને કારણે અંદાજિત 2 હજારથી વધુ વીઘા જેટલા વિસ્તારમાં તૈયાર મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
અમરેલીના ખાંભા ગીર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ચકરાવા, કંટાળા અને પચપચીયા સહિતના ગામોમાં ઓછા વરસાદથી પહેલેથી જ ઉત્પાદન ઘટ્યું હતું. ત્યાં તૈયાર મગફળીના ઢગલા પર પવન સાથે વરસેલા વરસાદે પાણી ફેરવી દીધું છે. મગફળીના પાથરા પલળી જતાં ગુણવત્તા અને ભાવ બગડવાની ભીતિ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ખેડૂતોની આખી વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. પવન સાથે વરસેલા આ વરસાદને કારણે તૈયાર મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેનાથી ખેડૂતો ભારે ચિંતાતુર બન્યા છે. કોડીનાર તાલુકાના જગતિયા, અરઠીયા, છુગાળા, ઘાટવડ, અરણેજ, સેઢાયા, સિંધાજ અને કંટાળા સહિતનાં ગામોમાં વરસેલા આ અનિચ્છનીય વરસાદે અન્નદાતાઓની મુશ્કેલીઓ અનેકગણી વધારી દીધી છે.
એક તરફ દુષ્કાળ જેવી સ્થિતિ અને બીજી તરફ વરસાદનો મારે ખેડૂતોની હાલત કફોડી કરી મુકી છે, ત્યારે ખેડૂતો તાત્કાલિક સર્વે, નુકસાનનું વળતર, દેવા અને ધિરાણ માફી સાથે રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.