Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓચિતી ગુજરાત મુલાકાતે રાજ્યની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. 13 નવેમ્બરની રાત્રે અમદાવાદ એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું આગમનથી લઈને 14 નવેમ્બરે દિલ્હી પરત ફરવા સુધી વડાપ્રધાને બેક-ટુ-બેક બેઠકો યોજીને સરકાર અને સંગઠન બંનેને સ્પષ્ટ સંદેશો આપી દીધો હોય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને અડધી રાત સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને ચાલેલી મંત્રીમંડળની બેઠક અને એરપોર્ટ પર ભાજપના જૂના અને પીઢ નેતાઓ સાથેની તેમની મુલાકાત હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુખ્ય વિષય બની છે.
અમદાવાદ એરપોર્ટ પર 13 નવેમ્બરના રોજ રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થયું હતું અને ત્યાંથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાનની અધ્યક્ષતામાં ગુજરાત મંત્રીમંડળ અને સંગઠનના હોદ્દેદારોની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જે રાત્રે 11:10 વાગ્યા સુધી ચાલી હતી. બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાને તમામ મંત્રીઓ સાથે રાત્રિભોજન પણ લીધું હતું, જેના પછી તેઓ રાત્રિરોકાણ માટે રાજભવન જવા રવાના થયા હતા.
વડાપ્રધાન મોદીની આ મુલાકાતનું સૌથી રસપ્રદ અને રાજકીય રીતે સૂચક પાસું અમદાવાદ એરપોર્ટ પર ભાજપના જૂના અને સિનિયર નેતાઓ સાથેની તેમની મુલાકાત રહી હતી. 13 નવેમ્બરે આગમન સમયે અને 14 નવેમ્બરે દિલ્હી પરત ફરતી વખતે વડાપ્રધાને એરપોર્ટ પર પક્ષના જૂના સાથીઓને મળીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળનારા આ 'જૂના જોગીઓ'માં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિન પાઠક, પૂર્વ સાંસદ કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા, પ્રદેશ ભાજપના પૂર્વ સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, પૂર્વ ધારાસભ્યો રાકેશ શાહ, ભૂષણ ભટ્ટ, બલરામ થવાણી, નિર્મલા વાઘવાણી, પ્રદીપ પરમાર, ભરત બારોટ, અરવિંદ પટેલ, ગીતાબેન તેમજ નરેશ વ્યાસ, જીતુ વાઘેલા અને અમદાવાદના પૂર્વ મેયર હિતેશ બારોટ સહિતના નેતાઓ સામેલ હતા.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સત્તા અને સંગઠનમાં સક્રિય ન હોવા છતાં જૂના કાર્યકરો અને નેતાઓને મહત્ત્વ આપીને વડાપ્રધાને વર્તમાન મંત્રીઓ અને પદાધિકારીઓને જમીન સાથે જોડાયેલા રહેવાનો અને જૂના કાર્યકરોની અવગણના ન કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં અડધી રાત્રે પીએમ મોદીએ લીધેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યો ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ચારેય મહામંત્રીઓ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ બેઠકનો ચોક્કસ એજન્ડા અગાઉથી જાહેર કરવામાં ન આવ્યો હોવાથી મંત્રીઓમાં ભારે ઉત્સુકતાની સાથે થોડો ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હત. વડાપ્રધાન કયા મંત્રીઓની કામગીરીની સમીક્ષા કરશે અને આગામી સમય માટે શું દિશા-નિર્દેશ આપશે તેના પર સૌની નજર ટકેલી હતી.
મુલાકાતના બીજા દિવસે એટલે કે 14 નવેમ્બરના રોજ સવારે 10:00 વાગ્યે વડાપ્રધાન મોદીએ ગાંધીનગર સ્થિત લોકભવનમાં સંસ્કારધામ ટ્રસ્ટની બેઠક યોજી હતી. આ બેઠકમાં સંસ્કારધામના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે આગામી દિવસોમાં સંસ્થા દ્વારા હાથ ધરાનારા વિવિધ આયોજનો અને શિક્ષણ ક્ષેત્રની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. લોકભવન ખાતેના તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એક જ ગાડીમાં બેસીને અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા. એરપોર્ટ પર જૂના નેતાઓ સાથેની ટૂંકી શુભેચ્છા મુલાકાત બાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થયા હતા.