Jetpur News: જેતપુર શહેરમાં સંબંધોને શરમાવે તેવી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવાગઢ રેલવે સ્ટેશન રોડ પર કેબિન પાછળથી મળી આવેલા અજાણી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલવામાં જેતપુર સીટી પોલીસને સફળતા મળી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ હકુબેન પરમાર તરીકે થઈ હતી. સગા ભત્રીજા સાથેના કથિત અનૈતિક સંબંધોના ખારને લઈ બે સગી ભત્રીજીઓ, એક ભત્રીજીના પતિ અને અન્ય એક શખ્સે સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેબિન પાછળ સુમસામ જગ્યાએ મહિલાનો મૃતદેહ મળી આવ્યો..
ઘટનાની વાત કરીએ તો, ગત 11 નવેમ્બરના રોજ જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશન રોડ પર કેબિન પાછળ સુમસામ જગ્યાએ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં મહિલાની ઓળખ અજાણી હોવાથી પોલીસે ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આસપાસના અંદાજે 90 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા.
ભત્રીજા રવિ સાથે કથિત અનૈતિક સંબંધો હતા
સાથે જ ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસ હત્યારા સુધી પહોંચી હતી. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ હકુબેન પરમાર તરીકે થઈ હતી. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, હકુબેનને પોતાના સગા ભત્રીજા રવિ સાથે કથિત અનૈતિક સંબંધો હતા. આ સંબંધો રવિની બહેનો અને પરિવારના અન્ય સભ્યોને પસંદ ન હોવાથી અવારનવાર ઝઘડા થતા હતા.આ જ બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હોવાનો પોલીસનો ખુલાસો છે.
સોડાની બોટલમાં ઝેરી દવા ભેળવી પીવડાવ્યા બાદ ચૂંદડી વડે ગળે ટૂંપો આપી હત્યા
આરોપીઓ હકુબેનને જૂનાગઢથી રિક્ષામાં બેસાડી જેતપુર લાવ્યા હતા. ત્યારબાદ સોડાની બોટલમાં ઝેરી દવા ભેળવી પીવડાવ્યા બાદ ચૂંદડી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે,સાથે મૃતક હકુ બેન મૂળ ભાવનગર ના પાલીતાણા ના હથિયાધાર ખાતે સાસરે હતા. તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરોઓ છે,તેમજ પરિવાર રખડતું ભટકતું જીવન જીવતા હતા..
જેતપુર સીટી પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
આ હત્યા કેસમાં રાધાબેન સૈયદ શેખ, મધુબેન લક્ષ્મણ ઉર્ફે લખો બાવાજી, મધુબેનના પતિ લક્ષ્મણ ઉર્ફે લખો પીરુનાથ બાવાજી અને ભુપતભાઈ પોપટભાઈ વાઘેલાનાં નામ સામે આવ્યાં છે. મૃતકના ભાઈ અરવિંદભાઈ વાઘેલાએ જેતપુર સીટી પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 61(2) અને 3(5) હેઠળ હત્યાનો ગુનો નોંધી ચારે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માંગણી કરી તપાસ હાથધરી છે.
હત્યાના કાવતરામાં સામેલ થયેલા ચારેય આરોપીઓ હવે કાયદાના સકંજામાં...
એક તરફ લોહીના સંબંધો અને બીજી તરફ અંગત અદાવત...સંબંધોની મર્યાદા ઓળંગીને સગી ફઈની હત્યાના કાવતરામાં સામેલ થયેલા ચારેય આરોપીઓ હવે કાયદાના સકંજામાં છે. એક મહિલાની જિંદગીનો કરુણ અંત આવ્યો છે. તો બીજી તરફ લોહીના સંબંધો જેલના સળિયા પાછળ પહોંચ્યા છે.