ચેતન પટેલ, સુરત: આજકાલ જે રીતે ઓનલાઈન ગેમિંગનું યુવાઓમાં ગાંડપણ જોવા મળી રહ્યું છે તેને પગલે એવા એવા પરિણામો સામે આવી રહ્યા છે જે અત્ચંત આઘાતજનક છે. સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાતે મિત્રો વચ્ચે જ ખૂની ખેલ ખેલાયો. જેમાં ગેમ રમવા મુદ્દે મિત્રોએ જ મિત્રોનું કાસળ કાઢી નાખ્યું હોવાની હિચકારી ઘટના સામે આવી છે.
આ ડબલ મર્ડર કેસના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અઠવા પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીની ફરાર આરોપીઓની શોધ ચાલુ કરી છે. પરિજનોનો એવો આક્ષેપ છે કે આ ઘટના પાછળ ઓનલાઈન ગેમ જવાબદાર છે. ગેમ રમવા મુદ્દે જ મિત્રોએ મિત્રોની હત્યા કરી નાખી. ફ્રી ફાયર ગેમ રમવા બાબતે ઝઘડો થયો હતો. ઘર બહાર ગેમ રમી રહ્યા હતા ત્યારે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા બંને મૃતકો સગીર હોવાનું પ્રાથમિક અનુમાન છે.
મળતી માહિતી મુજબ 5 સગીરો ફ્રી ફાયર ગેમ રમી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પાંચ પૈકી 3 જે સગીર છે તેમના દ્વારા અન્ય બે સગીર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો. ત્યારબાદ બંને ઈજાગ્રસ્ત સગીરોને સારવાર અર્થે સુરત સિવિલમાં લઈ જવાયા હતા. પરંતુ સારવાર દરમિયાન બંને સગીરોનું કરુણ મોત નિપજ્યું. ઘટનાને અંજામ આપીને ત્રણેય સગીરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
ભાગી ગયેલા સગીર આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. ફ્રી ફાયર ગેમ રમતા હતા અને આ દરમિયાન પાંચેય મિત્રો વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો હત્યા સુધી પહોંચી ગયો. પરિવાર હાલ ન્યાયની માંગણી કરી રહ્યો છે.