ધવલ પારેખ/નવસારી: આ છે વાંદરવેલા ગામની એ લાઈબ્રેરી...જ્યાં પુસ્તકોના પાને પાને અનેક યુવાનોના ભવિષ્યની કહાની લખાઈ રહી છે. માત્ર 700 પુસ્તકો સાથે શરૂ થયેલી આ લાઈબ્રેરી આજે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બની છે. અને પરિણામ પણ એવું કે છેલ્લા છ વર્ષમાં અહીંથી અભ્યાસ કરીને 29 વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી સરકારી નોકરી મેળવી ચૂક્યા છે.
બદલાતા સમય સાથે લાઈબ્રેરીને પણ આધુનિક બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. સવાલ હતો સંસાધનોનો... અને આર્થિક મુશ્કેલી સામે ગામના લોકો લાચાર હતા. ત્યારે ગામના જ વતની અને લીમઝર PHCમાં ફરજ બજાવતા ડૉ. સત્યેન પટેલે શોધ્યો અનોખો રસ્તો...તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીની પોસ્ટ પર રિપ્લાય કરીને લાઈબ્રેરી માટે ડિજિટલ સેન્ટર ઊભું કરવાની મદદ માગી અને પછી જે થયું તે ખરેખર સોશિયલ મીડિયાની તાકાત દર્શાવે છે...કલેક્ટરે માત્ર અડધા કલાકમાં જ પ્રતિસાદ આપ્યો અને અઠવાડિયાની અંદર પોતાની ગ્રાન્ટમાંથી 15 લાખ રૂપિયાની સહાય મંજૂર કરી દીધી.
હવે આ ગ્રાન્ટથી લાઈબ્રેરીમાં કોમ્પ્યુટર, આધુનિક ફર્નિચર, સ્માર્ટ પુસ્તકો, આર.ઓ. વોટર પ્લાન્ટ, સોલર પેનલ સહિત બિલ્ડિંગનું અપગ્રેડેશન કરવામાં આવશે. એટલે કે, હવે વાંદરવેલાના આદિવાસી વિદ્યાર્થીઓને ગામમાં જ આધુનિક ડિજિટલ સુવિધાઓ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીથી લઈને ટેક્નોલોજીના જ્ઞાન સુધી. પ્રગતિના નવા દરવાજા ખુલશે.
આજે જ્યારે સોશિયલ મીડિયાના દુરુપયોગની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે વાંદરવેલાની આ ઘટના એક નવો સંદેશ આપે છે. એક ટ્વીટ માત્ર સરકારનું ધ્યાન જ ખેંચી શકે એવું નથી, પરંતુ સેંકડો બાળકોના ભવિષ્યની દિશા પણ બદલી શકે છે. અહીં 15 લાખ રૂપિયાની ગ્રાન્ટથી માત્ર લાઈબ્રેરીનું બિલ્ડિંગ નહીં બદલાય. બદલાશે આદિવાસી બાળકોના સપનાઓની ઊંચાઈ. કારણ કે, સાચો વિકાસ ત્યારે કહેવાય, જ્યારે શહેરોની સાથે ગામડાંના બાળકોને પણ તક મળે. વાંદરવેલાની આ લાઈબ્રેરી હવે માત્ર પુસ્તકોનું ઘર નથી... પરંતુ આદિવાસી યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની નવી આશા છે.