Ambalal Patel Weather Forecast: રાજ્યમાં શિયાળાની શરૂઆત વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડું, કમોસમી વરસાદ અને ઠંડીના પ્રમાણને લઈને મોટી આગાહી કરી છે.
Ambalal Patel Weather Forecast: અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે, જેની સીધી અસર ખેતીના પાકો પર જોવા મળી શકે છે.
1/4
આ વર્ષે 'અલ નીનો'ના કારણે શિયાળામાં કકડતી ઠંડી પડશે નહીં
અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વર્ષે 'અલ નીનો'ની અસર હોવાના કારણે શિયાળામાં જોઈએ તેવી કકડતી ઠંડી પડશે નહીં અને ઠંડીનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહેશે. જોકે, આજથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. 15 નવેમ્બર સુધી લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ થશે અને ત્યારબાદ 21 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે.
2/4
બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા
વાવાઝોડા અંગે ચેતવણી આપતા તેમણે જણાવ્યું છે કે, 16 નવેમ્બરથી બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમ વધુ મજબૂત બનીને 18 નવેમ્બર સુધીમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી પ્રબળ શક્યતા છે. 20 નવેમ્બરથી આ વાવાઝોડાની તીવ્ર અસર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે.
3/4
ગુજરાતના કયા જિલ્લાઓમાં થશે માવઠું?
બંગાળની ખાડીમાં સર્જાનારા વાવાઝોડાની પરોક્ષ અસર ગુજરાતના હવામાન પર પણ પડશે. ખાસ કરીને 21 થી 27 નવેમ્બર દરમિયાન પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવશે અને વરસાદી માહોલ જોવા મળી શકે છે.
4/4
ખેડૂતો માટે ચિંતા: રવી પાક પર માઠી અસરની ભીતિ
અલ નીનોના કારણે ઓછી ઠંડી અને નવેમ્બરના અંતમાં માવઠાની આગાહીને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. અંબાલાલ પટેલના મતે, વાતાવરણમાં આવનારા આ બદલાવથી શિયાળુ એટલે કે રવી પાક પર માઠી અસર થઈ શકે છે. ખાસ કરીને બટાકા, જીરું, ઘઉં અને અન્ય મસાલાના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી ખેડૂતોને અગાઉથી સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.