Ahmedabad News: શહેરમાં બેફામ વાહન હંકારીને અકસ્માતો થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદના શીલજ સર્કલ પાસે ગત 11 નવેમ્બરના રોજ એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અહીં પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરીયસ કારે રેપિડો બાઇકને ટક્કર મારતા 35 વર્ષીય યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માત સર્જીને નાસી છૂટેલા કારચાલકની બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને નંબર પ્લેટના આધારે ધરપકડ કરી લીધી છે. ખાસ વાત એ છે કે પકડાયેલ આરોપી ધારાસભ્યનો ભત્રીજો હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદમાં બનેલી ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ગત 11 નવેમ્બરના રોજ વહેલી સવારે અંદાજે 7:00 વાગ્યાની આસપાસ શીલજ સર્કલ નજીક ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે બન્યો હતો. જેમાં રેપિડો ચાલક પ્રદીપ કુમાર પોતાની મોટરસાઇકલ પર પાછળ મુસાફરને બેસાડીને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક રેન્જ રોવર કાર (નંબર: GJ 27 EK 0600) ના ચાલકે તેમને જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર પાછળ બેઠેલા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માતમાં રેપિડો બાઇકની પાછળ બેઠેલા 35 વર્ષીય હર્ષદકુમાર પુરબિયા ગંભીર રીતે ઘાયલ થયા હતા, અને સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. મૃતક હર્ષદકુમાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વતની હતા અને હાલ અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હતા. આ અચાનક બનેલી ઘટનાથી મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
અમદાવાદમાં વહેલી સવારે બનેલી ઘટના બાદ કારચાલક રેન્જ રોવર ગાડી મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસે કાર્યવાહી કરતા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ લક્ઝરીયસ ગાડી બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનો ભત્રીજો રાઘવેન્દ્ર કુશવાહ ચલાવી રહ્યો હતો.
બોપલ પોલીસે આરોપી રાઘવેન્દ્ર કુશવાહની રેન્જ રોવર કાર સાથે ધરપકડ કરી લીધી છે. પોલીસે એ દિશામાં તપાસ આદરી છે કે અગાઉ પણ આ જ શખ્સ દ્વારા કોઈ અકસ્માત સર્જવામાં આવ્યો છે કે કેમ. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.