Kunvarji Bavaliya : વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતના રાજકારણમાં વિવિધ સમાજોની સક્રિયતા પણ વધી રહી છે. રાજકીય પક્ષો સમક્ષ ટિકિટની દાવેદારી અને સમાજનું પ્રતિનિધિત્વ મેળવવાના પ્રયાસો તેજ બન્યા છે. આ દરમિયાન હવે કોળી સમાજમાં રાજકીય નિવેદનબાજી અને આંતરિક મતભેદ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાજ્યમાં કુલ વસ્તીના આશરે 20થી 24 ટકા હિસ્સો ધરાવતા આ સમાજનું પ્રભુત્વ ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે. મુખ્યત્વે તળપદા કોળી, ચુવાળિયા કોળી, ઘેડિયા કોળી, અને ખાંટ કોળી જેવા જૂથમાં છે.
હજુ તો ઘોડો દોડ્યો નથી ને જીતની ઉજવણી શરૂ કરાઈ એ ગુજરાતી કહેવતની જેમ ગુજરાતમાં હજુ ચૂંટણીને એક વર્ષની વાર છે ત્યાં પ્રવિણ કોળીના દાવાઓથી અનેક કોળી નેતાઓના ભવાં ચઢ્યાં છે. હજુ કોળી સમાજના નેતાઓમાંથી કોને આગળ કરાશે એ ફાયનલ નથી અને પ્રવિણ કોળીએ દિવ્યેશ સોલંકીને ટિકિટ અને મંત્રી બની જશેના સપનાં જોવાનાં શરૂ કરી દીધા છે. ભાજપ સરકારમાં મંત્રી કોણ બનશે એ દિલ્હી હાઈકમાન્ડ ફાયનલ કરતું હોય છે એ પહેલાં પ્રવિણ કોળીએ પુરષોત્તમ સોલકીના પુત્રને મંત્રી બનાવી દીધા છે.
રાજકોટના અમરાપુરમાં મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ નિવેદન આપ્યું હતું કે 2027ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા ચૂંટણી લડશે, જંગી લીડથી જીતશે અને ફરી મંત્રી બનશે. જોકે, આ નિવેદન સામે કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ વિરોધ નોંધાવ્યો છે.

પ્રવીણ કોળીએ આ સ્નેહમિલન કાર્યક્રમને રાજકીય હેતુથી યોજાયેલું શક્તિપ્રદર્શન ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે કુંવરજી બાવળિયા સાથે જે નેતાઓના રાજકીય સંબંધો છે, તેઓ જ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સમાજને આ સંમેલન સાથે કોઈ લેવા દેવા નથી. તેમણે બાવળિયા પર સમાજના નામે ચૂંટણી લડવા છતાં વાયદા પૂર્ણ ન કરવાનો આક્ષેપ પણ કર્યો છે. આ ઉપરાંત પ્રવીણ કોળીએ તળાજા બેઠક પરથી દિવ્યેશ સોલંકીની ટિકિટ ફાઇનલ હોવાનો દાવો કરીને નવી ચર્ચા જગાવી છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
એક તરફ દેવજી ફતેપરા બાવળિયાની જીત અને મંત્રીપદની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ સમાજના જ આગેવાન તેમના રાજકીય પ્રભાવ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે કોળી સમાજના નામે યોજાતા સંમેલનો ખરેખર સમાજના પ્રશ્નો માટે છે કે રાજકીય શક્તિ પ્રદર્શન માટે? શું ચૂંટણી પહેલાં કોળી સમાજના નેતાઓ એક મંચ પર આવશે કે આંતરિક મતભેદ વધુ ચર્ચામાં રહેશે?