)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગાંધીનગર લોકભવન ખાતે રાજ્ય સરકારના મંત્રીઓ સાથે ડિનર બેઠક યોજાવાની છે. ખાસ વાત એ છે કે અગાઉ 4 જુલાઈએ બેઠક કર્યા બાદ 132 દિવસ પછી PM મોદી ફરી ગુજરાતના મંત્રીઓ સાથે સંવાદ કરશે. આ બેઠકને લઈને સરકારની કામગીરી, વિકાસકાર્યો અને આગામી રાજકીય સમીકરણો અંગે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
આસામના કાજીરંગા વિસ્તારમાં રોંગાજન પાસે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક પૂરઝડપે દોડતા ટ્રક અને વિદ્યાર્થીઓથી ભરેલી મિની બસ (ટ્રાવેલર) વચ્ચે આમને સામને જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 23 લોકોના કરુણ મોત નીપજ્યા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હાલમાં રાહત તથા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સુરતથી માત્ર 80 કિલોમીટર દૂર માંડવીની કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ ખાતે દક્ષિણ ગુજરાતની પ્રથમ જંગલ સફારી શરૂ કરવામાં આવી છે, જેને પ્રારંભના માત્ર ત્રણ જ દિવસમાં 325 પ્રવાસીઓએ માણીને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે. 2,300 હેક્ટરમાં ફેલાયેલા ગાઢ જંગલ વિસ્તારમાં પ્રવાસીઓ 8 સીટર ઓપન જીપ્સીમાં બેસીને રોમાંચક સફરનો આનંદ ઉઠાવી શકે છે, જ્યાં ઝરખ અને દુર્લભ ઉડતી ખિસકોલી સહિતના વન્યજીવોને નિહાળવાની ખાસ તક મળે છે. નવા વિકસેલા આ પ્રવાસન સ્થળ પર મુલાકાતીઓની સુવિધા માટે ઓનલાઇન બુકિંગની સાથે રાત્રિ રોકાણની પણ ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલી અખબારનગર સોસાયટીમાં ફટાકડા ફોડવાના મામલે સ્થાનિક યુવકો અને એક મહિલા psi વચ્ચે બોલાચાલીનો વિવાદ ગરમાયો છે. જેમાં વાડજના કોર્પોરેટર, સોસાયટીના સેક્રેટરી અને amc રેવન્યુ કમિટીના ડેપ્યુટી ચેરમેન એવા વિરાટ પુરોહિતનું નામ પણ સામે આવતા તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને આખાય વિષયમાં તેમનો કોઈ રોલ કે હાજરી જ ન હોવાની વાત કરો છે. બીજી તરફ ફટાકડા ફોડવામાં શામેલ હતા એવા યુવકે સમગ્ર મામલે cid ક્રાઇમ રેલવેના મહિલા psi કલ્પનાબેન ચુડાસમાએ કરેલા વર્તન અને આક્ષેપો મામલે મહત્વની પ્રતિક્રિયા આપી છે.જેમાં તેઓએ સમગ્ર ઘટનાક્રમ જણાવી મહિલા psi સામે જ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ મહિલા psi એ વાડજ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજી બાદ મીડિયા સાથે કોઈ વાતચીત કરી નથી. અરજીમાં psi એ વિવિધ આક્ષેપ કરતા સોસાયટી રહીશો દ્વારા પણ psi સામે અરજી આપવામાં આવી છે. નોંધનીય છે કે આખાય મામલામાં હજી સુધી સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પણ વિષયની ગંભીરતા તેમજ કોર્પોરેટર અને psi ની કથિત ભૂમિકાને લઈને વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટના વોર્ડ-2ના ભાજપના કોર્પોરેટર શૈલેષ વસાણીએ બોગસ ઓબીસી (OBC) સર્ટિફિકેટ રજૂ કર્યું હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ આગેવાન સલીમ કારયાણીએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે. સલીમ કારયાણીએ દાવો કર્યો છે કે તેમણે આ અંગે મામલતદાર સાથે પણ વાતચીત કરી હતી અને મામલતદારે પણ આ દાખલો બોગસ હોવાનું સ્વીકાર્યું છે. આ ગંભીર મામલે તેમણે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરીને જવાબદાર કોર્પોરેટર સામે યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા 'બજરંગ ઢોસા' રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. અહીં પોતાના પરિવાર સાથે જમવા ગયેલા એક ડોક્ટરને પીરસવામાં આવેલી ચટણીમાંથી મૃત વંદો નીકળતા ભારે કડવો અનુભવ થયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા ડોક્ટરે સમગ્ર મામલાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ઉત્તર ભારતીય સમાજ માટે વિશેષ મહત્વ ધરાવતા છઠ્ઠ પૂજાના પર્વને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે લોકો તહેવાર નિમિત્તે પોતાના વતન નથી જઈ શકતા તેમના માટે સાબરમતી રિવરફ્રન્ટ પર ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કાયમી ધોરણે બનાવાયેલા ઘાટ પર સાફ-સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શ્રદ્ધાળુઓની સુવિધા અને પૂજા-અર્ચના માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે, જ્યારે આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે.
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે યુવકો અને સ્થાનિક રહીશો વચ્ચે થયેલી બબાલ તથા મારક હથિયારો વડે હુમલાના આરોપ મામલે સામાજિક કાર્યકર રોહિત પટેલે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી. આ બેઠકમાં વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવા અને રહીશોની સુરક્ષા તથા શાંતિ જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીએ પણ કાયદો હાથમાં લેનારા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
જુનાગઢના બુગદા વિસ્તારમાં પ્રશાસન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરીને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત છેલ્લા 10થી 15 વર્ષથી ખડકાયેલા જૂના ગેરકાયદે દબાણોને દૂર કરીને અંદાજે 1425 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
અમદાવાદના બોપલથી સનાથલ જવાના માર્ગ પર પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાયા બાદ રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી બિસ્માર હાલતમાં રહેલા TP-54 રોડની સમસ્યા અંગે Z 24 કલાક પર પ્રસારિત થયેલા અહેવાલની સીધી અને ત્વરિત અસર જોવા મળી છે. અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગણતરીના કલાકોમાં જ રોડનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. લાંબા સમયથી પડતી હાલાકીનો અંત આવતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તેમની સમસ્યાને વાચા આપવા બદલ Z 24 કલાકનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
રાજકોટમાં દેવજી ફતેપરાના નિવેદનનો કોળી સમાજમાં જ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાં પ્રવીણ કોળીએ જસદણના સંમેલનને સમાજના સ્નેહમિલનને બદલે માત્ર રાજકીય શક્તિ પ્રદર્શન ગણાવ્યું છે. કુંવરજી બાવળિયાને ટિકિટ અને કેબિનેટ છીનવાઈ જવાનો ડર હોવાનો દાવો કરતા તેમણે આક્ષેપ કર્યો છે કે નેતાઓ સમાજના નામે ચૂંટણી લડે છે પરંતુ 7 વર્ષથી વિદ્યાર્થી ભવનનો વાયદો હજુ પણ અધૂરો જ છે. આ સંમેલન સાથે સમાજને કોઈ લેવાદેવા નથી તેવી સ્પષ્ટતા સાથે પ્રવીણ કોળીએ તળાજા બેઠક પરથી દિવ્યેશ સોલંકીની ટિકિટ ફાઇનલ હોવાનો દાવો કરી ભાજપ Gen-Z નેતાઓને તક આપતો હોવાનું જણાવ્યું હતું.
દમણના નાની દમણ વિસ્તારમાં આવેલા કુદરતી ટાપુ પર સનસેટ જોવા ગયેલા એક જ પરિવારના 8 સભ્યો (જેમાં બે બાળકો પણ સામેલ હતા) અચાનક સમુદ્રમાં ભરતી આવતા ફસાઈ ગયા હતા. પાણીનું સ્તર ઝડપથી વધતાં આખો ટાપુ જળમગ્ન થવા લાગ્યો હતો, જેના કારણે તમામના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, ગભરાયા વગર આ પરિવારે કેડસમા ઊંડા પાણીમાં જીવના જોખમે હિંમત દાખવીને જાતે જ બહાર આવી સુરક્ષિત સ્થળે પહોંચવામાં સફળતા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે આ ટાપુ પર અગાઉ પણ આવા જોખમી બનાવો બની ચૂક્યા હોવાથી પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..