Ahmedabad Iconic Tower At Sindhu Bhavan Road: દિવસેને દિવસે અમદાવાદની રોનક બદલાઈ રહી છે. દુબઈ જેવી બિલ્ડિંગો હવે ધીમે ધીમે અમદાવાદમાં નિર્માણ પામી રહી છે. ત્યારે અમદાવાદીઓ માટે ફરી એક ખુશખબર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરની સ્કાયલાઈન ટૂંક સમયમાં એક નવો આકાર લેવા જઈ રહી છે. જી હા... દુબઈની પ્રસિદ્ધ 'જુમેરાહ સ્કાયલાઇન'ની તર્જ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુ ભવન રોડ પર 570 કરોડના ભવ્ય ખર્ચે 'અમદાવાદ સિટી સ્ક્વેર' ટાવર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કહેવાઈ રહ્યું છે કે 'સિટી સ્ક્વેર' 175 મીટર (અંદાજે 574 ફૂટ) ઊંચાઈ ધરાવતો આ આઈકોનિક ટાવર 57 માળ જેટલી ઊંચાઈ ધરાવતો હશે, જે શહેરની નવી ઓળખ બનશે. અહીંથી કોફી પીતા પીતા અમદાવાદનો અદ્ભુત નાઇટ વ્યૂ નિહાળવાનો રોમાંચક અનુભવ નાગરિકોને મળશે.
અમદાવાદમાં નિર્માણ થનાર આ પ્રોજેક્ટનું આયોજન વિશાળ જગ્યામાં કરવામાં આવ્યું છે. અમદાવાદ સિટી સ્ક્વેરને કુલ 13,144 ચોરસ મીટર પ્લોટમાંથી 12,091 ચોરસ મીટર એરિયામાં બાંધકામ કરાશે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર 5,990 ચો.મી. વિસ્તારમાં આકર્ષક પ્લાન્ટેશન અને લેન્ડસ્કેપિંગ વિકસાવાશે.
આ આઈકોનિક ટાવર નાગરિકો માટે મનોરંજન, શોપિંગ અને ડાઈનિંગનું મુખ્ય કેન્દ્ર બનશે. જેમાં 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક-વોક અને વ્યુ ગેલેરી બનાવવામાં આવશે, જ્યાં એકસાથે 50 મુલાકાતીઓ શહેરનો નજારો માણી શકશે. 29.50 મીટરથી 47.25 મીટરની ઊંચાઈ વચ્ચે ત્રણ વિવિધ રેસ્ટોરેન્ટ્સ અને 4 કિઓસ્ક હશે. 40 મીટરની ઊંચાઈએ 1200 લોકોની ક્ષમતા ધરાવતી બે માળની રેસ્ટોરેન્ટ તથા ટેરેસ કેફે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ બિલ્ડિંગમાં 50 જેટલી દુકાનો, આર્ટ ગેલેરી અને 310 બેઠક ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર બનશે. ટાવરમાં 40થી 175 મીટર વચ્ચે વિશાળ ડિજિટલ સ્ક્રીન મૂકાશે. ઉપરાંત સોલર ટ્રી અને આધુનિક અર્બન પ્લાઝા તૈયાર કરાશે. એટલું જ નહીં, સરળ અવરજવર માટે બિલ્ડિંગમાં કુલ 17 લિફ્ટ મૂકવામાં આવશે.
મુલાકાતીઓની સુવિધા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં વિશાળ પાર્કિંગનું આયોજન કરાયું છે. જેમાં 3 લેવલના બેઝમેન્ટમાં 385 કાર અને 1109 ટુ-વ્હીલરના પાર્કિંગની વ્યવસ્થા હશે, જ્યારે ટાવરની સામેના ભાગે વધારાની 450 કાર પાર્ક થઈ શકે તેવી જગ્યા રાખવામાં આવશે. આ આઈકોનિક પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ અમદાવાદની સ્કાયલાઈન વૈશ્વિક સ્તરની બનશે અને નાગરિકો તેમજ પ્રવાસીઓ માટે એક અનન્ય લેન્ડમાર્ક સાબિત થશે.
AMC દ્વારા 25 ઓક્ટોબર, 2026ના રોજ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અધિકૃત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરો સાથે એક ઓરિએન્ટેશન મીટિંગ અને બે પ્રિ-બિડ મીટિંગ યોજાશે. સમગ્ર ટેન્ડર પ્રોસેસ પૂર્ણ કરી તેને ફાઈનલ કરતા અઢી મહિના જેટલો સમય લાગશે. કામનો કોન્ટ્રાક્ટ સોંપાયા બાદ આ પ્રોજેક્ટ 42 મહિના (એટલે કે સાડા ત્રણ વર્ષ)ની સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે.