Ahmedabad News:દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ફટાકડાના બજારમાં અત્યારથી જ તેજી જોવા મળી રહી છે. અમદાવાદના વાંચ ગામમાં ફટાકડા બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. જોકે, ગત વર્ષે રામોલની ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ આ વખતે તંત્રએ સુરક્ષાને લઈને કડક વલણ અપનાવ્યું છે. અગાઉ 48 ફેક્ટરીની સામે આ વર્ષે માત્ર 20 યુનિટને જ મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ કાચા માલના ભાવમાં વધારાને પગલે ફટાકડા પણ 20થી 25 ટકા મોંઘા થયા છે.
દિવાળીના પર્વને લઈને ફટાકડા બનાવવાની કામગીરીએ જોર પકડ્યું છે. અમદાવાદના વાંચ ગામમાં ફટાકડાની ફેક્ટરીઓમાં કારીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. કોઠી, મિર્ચી, 555 અને બટરફ્લાય જેવા વિવિધ પ્રકારના ફટાકડા તૈયાર કરવામાં આવી રહ્યા છે
ગત વર્ષે રામોલની ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના બાદ આ વર્ષે તંત્રએ સુરક્ષાને લઈને સખત વલણ અપનાવ્યું છે. વાંચ ગામમાં અગાઉ 48 ફેક્ટરી કાર્યરત હતી, જેની સામે આ વર્ષે માત્ર 20 યુનિટને જ ફટાકડા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ફાયર અને સેફ્ટીના નિયમોનું પાલન કરનારા એકમોને જ મંજૂરી મળી છે
આ વખતે સુરક્ષાના નિયમોમાં પણ કડકાઈ કરવામાં આવી છે. સેલ્સ રૂમ, મિક્સિંગ રૂમ અને મેન્યુફેક્ચરિંગ રૂમ વચ્ચે ઓછામાં ઓછું 150 ફૂટનું અંતર રાખવું ફરજિયાત છે. આ ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એક્સ્ટિંગ્વિશરની વ્યવસ્થા પણ ફરજિયાત કરવામાં આવી છે
એક તરફ ફટાકડાના ઉત્પાદનની કામગીરી તેજ બની છે. તો બીજી તરફ આ વર્ષે ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડશે. કારણ કે ફટાકડાના ભાવમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. પેપર, માટી, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર જેવા કાચા માલના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે
આ મામલે દસક્રોઈના પ્રાંત અધિકારી એમ.બી. દેસાઈ સાથે ZEE 24 કલાકે વિશેષ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે આ વખતે PESO દ્વારા બનાવવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું છે. તેમના વિસ્તારમાં પણ માત્ર 20 યુનિટને જ મંજૂરી આપવામાં આવી છે. ફાયર સેફ્ટી અને કામદારોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નિયમોનું પાલન ન કરનારા 19 જેટલા એકમોએ સ્વૈચ્છિક રીતે ડિમોલિશન કર્યું છે
આમ, દિવાળીને લઈને ફટાકડાના ઉત્પાદનની કામગીરી તેજ બની છે. પરંતુ આ વખતે તંત્રએ સુરક્ષાના નિયમોમાં કોઈ બાંધછોડ કરી નથી. 48માંથી માત્ર 20 યુનિટને મંજૂરી આપીને તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફટાકડાના વેપાર કરતાં લોકોની સુરક્ષા વધુ મહત્ત્વની છે.