શાહરુખ ખાનની એક રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ રીલ હવે કંટેંટ ક્રિએટર સુવિજ્ઞ શર્મા માટે મુસીબતનું કારણ બની છે. શાહરુખ ખાન એ સુવિજ્ઞ શર્માને માનહાનિ નોટિસ ફટકારી છે. નોટિસ અનુસાર રીલ્સમાં શાહરુખ ખાન માટે જે માહિતી શેર કરવામાં આવી છે તે ખોટી અને તેની માનહાનિ કરે તેવી છે.
વ્યુ માટે અને રીલ્સ વાયરલ થાય તે માટે કંટેંટ ક્રિએટર ઘણીવાર હકીકતને પણ તોડીમરોડીને રજૂ કરતાં હોય છે. વીડિયોમાં જે દેખાતું હોય તેની હકીકત જાણ્યા વિના પોતાની કલ્પના અનુસાર તેનું તારણ કાઢવું જાણીતા કંટેંટ ક્રિએટરને ભારે પડી ગયું છે. કારણ કે તેના વિરુદ્ધ બોલીવુડનો બાદશાહ એક્શન મોડમાં આવી ગયો છે.
આ વિવાદ એક કાર્યક્રમ દરમિયાનના એક વીડિયો સંબંધિત છે. એક વીડિયો ક્લીપ વાયરલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે શાહરુખ ખાનને ચુપ રહેવાનું કહી દેવામાં આવ્યું. આ રીલ ઈંસ્ટાગ્રામ પર વાયરલ થઈ હતી અને હવે આ રીલ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. શાહરુખ ખાનની લીગલ ટીમ એક્શન મોડમાં આવી છે અને રીલ બનાવનાર સુવિજ્ઞ શર્માને માનહાનિ નોટીસ ફટકારી દીધી છે.
શાહરુખ ખાનની ટીમનું કહેવું છે કે આ વીડિયો સાથે જે જાણકારી અને કેપ્શન શેર કરવામાં આવ્યું તે ભ્રામક અને માનહાનિ કરે તેવું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે દાવો કરવામાં આવે છે તે ખોટો છે અને તેનાથી શાહરુખ ખાનની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.
માનહાનિ નોટિસમાં કંટેંટ ક્રિએટર સુવિજ્ઞ શર્માને 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. 48 કલાકમાં તેણે 5 માંગ પુરી કરવી પડશે. જેમાં વિવાદિત રીલ તુરંત હટાવવી, તેને વધારે વાયરલ ન કરવી, રીલના કેપ્શનમાં જે દાવો કરવામાં આવ્યો તેને હટાવો અથવા સુધારો, મૂળ ફૂટેજના રેકોર્ડ સુરક્ષિત રાખવા, નિર્દેશોનું પાલન થયું છે જેની જાણકારી લેખિતમાં 48 કલાકની અંદર આપવી.