ઇજિપ્તના ગીઝા શહેરમાં ભયંકર દુર્ઘટના સર્જાય છે. જાણવા મળતી માહિતી અનુસાર કાહીરા, ગીજા અને કલ્યુબિયા ને જોડતા માર્ગ પર પેટ્રોલિયમ ટેન્કર પલટી જતા ભયંકર વિસ્ફોટ પછી આગ લાગી ગઈ હતી. ટેન્કર પલટી માર્યા પછી એટલો મોટો બ્લાસ્ટ થયો કે આ દુર્ઘટનામાં 31 લોકોના મોત થઈ ગયા અને 27 જેટલા વાહન પણ સળગી ગયા. ઘટનામાં 24 જેટલા લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમાંથી પણ કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
આગની આ ઘટના ગીઝાના ઈમ્બાબા જિલ્લાના વર્રાક વિસ્તારમાં આવેલા રિંગ રોડ પર બની હતી. આ રિંગ રોડ ગ્રેટર કાહિરાના મુખ્ય રાજમાર્ગોને એકબીજા સાથે જોડે છે. આ દુર્ઘટનાની પુષ્ટિ સ્થાનિક મંત્રાલય તરફથી પણ કરવામાં આવી છે.
વ્યસ્ત હાઈવે પરથી પસાર થતું પેટ્રોલિયમ ટેન્કર પલટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર પેટ્રોલિયમ ટેન્કરનું સંતુલન બગડી જતા ટેન્કર રોડ પર બનેલા ડિવાઈડર સાથે ટકરાયું હતું. જેના કારણે ટેન્કરમાં બ્લાસ્ટ થઈ ગયો.
ટેન્કર બ્લાસ્ટની જાણકારી મળતાં જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ ઉપરાંત 39 એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળ પર 31 લોકોના મોત થયા જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘાયલોમાંથી પણ કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
સરકાર તરફથી આ દુર્ઘટનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે જ્યારે મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ ઘટના પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શોકની લાગણી વ્યક્ત કરી મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના જાહેર કરી છે.