Mamlatdar Transfer : રાજ્યમાં બદલીઓનો દોર ચાલી રહ્યો છે, ત્યારે મહેસૂલ વિભાગે પણ સપાટો બોલાવ્યો છે અને એકસાથે 86 મામલતદારોની બદલી કરવામાં આવી છે. તો નાયબ મામલતદાર સંવર્ગના ત્રણ અધિકારીઓને મામલતદાર તરીકે બઢતી સાથે નવી નિમણૂક આપવામાં આવી છે. તો બીજી તરફ જુનિયર સ્કેલ વર્ગ 1ના 8 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગના હુકમ મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. આ બદલીમાં મહેસાણા, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, જામનગર, પાટણ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
બદલીના મહત્વના ફેરફારોમાં રાજેશકુમાર જે. કાનુડાવાળાને બેચરાજીથી અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે મામલતદાર તરીકે, મિનલ પટેલને અરવલ્લીથી અમદાવાદ શહેર (પૂર્વ)ના અસારવા ખાતે, જિતેન્દ્રકુમાર એસ. દેસાઈને અમદાવાદ શહેર (પૂર્વ)થી સુરત જિલ્લાના કામરેજ ખાતે અને એચ. એમ. અમીનને પાટડી-દસાડાથી મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રિયલ દેસાઈને પાલનપુરથી ગાંધીનગર માણસા, તો મહેશ ડી. ગોહેલને ગાંધીનગરથી ચિટનિસ, કલેક્ટર કચેરી ખાતે અને પ્રણવકુમાર ભરતભાઈ પુરોહિતને જમીન સંપાદન શાખા અમદાવાદથી ધોલેરા ખાતે મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.
સુરત જિલ્લામાં પણ કામરેજ, માંગરોળ, ચોર્યાસી, સુરત શહેર-અડાજણ અને સુરત શહેર-ઉધના સહિતના સ્થળોએ ફેરફારો કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં મુંદ્રા અને ટંકારા વચ્ચે પણ બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, નર્મદા, નવસારી, તાપી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓમાં પણ અધિકારીઓની નવી નિમણૂકો કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગે નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગના ત્રણ અધિકારીઓને મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં બઢતી આપીને નવી જગ્યાએ નિમણૂક કરી છે. જેમાં નિલેશ એ. ખરાડીને મહેસાણા જિલ્લાના વડનગર ખાતે મામલતદાર, અર્પણ એસ. ચાવડાને સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે મામલતદાર-1 અને નરેન્દ્ર એન. ચૌધરીને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.
આ જ હુકમમાં વધુ બે અધિકારીઓને અગાઉની જોગવાઈ મુજબ મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લાના નાયબ મામલતદાર કુલદીપકુમાર જે. વસાવાને છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે મામલતદાર તરીકે અને પોરબંદરના નાયબ મામલતદાર રાણાભાઈ જે. કટારાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
મહેસૂલ વિભાગે અન્ય એક હુકમમાં જુનિયર સ્કેલ વર્ગ 1ના 8 અધિકારીઓની બદલી કરી છે. વંદના એચ. પરમારને GLPC, ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે, હિરલબેન બી. ભાલાળાને સુરતના GIDC ખાતે લેન્ડ એક્વિઝિશન યુનિટ-2માં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે અને પાર્થ એચ. તલસાણિયાને વડોદરામાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-1ના નાયબ કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે.
એચ. એન. રાવલને મહેસાણા ખાતે SLAO-Unit-1, હંસરાજસિંહ જે. ગોહિલને મોરબી ખાતે નાયબ કલેક્ટર-2, નિલક્ષ એચ. મકવાણાને છોટાઉદેપુર ખાતે નાયબ કલેક્ટર-1, મૃણાલદેવી એ. ગોહિલને ગાંધીનગર ખાતે સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર અને હર્ષદીપ કે. આચાર્યને જામનગર શહેરના પ્રાંત અધિકારી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.