ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ગુજરાતના ૨૦ સરહદી ગામોમાં સુરક્ષા વ્યવસ્થાની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરવા માટે ગુજરાત પોલીસના ૧૦ વરિષ્ઠ IPS અધિકારીઓ આગામી તા. ૨૬ અને ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બે દિવસની વિશેષ મુલાકાતે જશે. કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના આ સરહદી ગામોમાં અધિકારીઓ સ્થાનિક રહીશોના ઘરોમાં રાત્રિરોકાણ કરી પ્રજાજનો તથા ફરજ બજાવતા પોલીસ જવાનોની સમસ્યાઓ પ્રત્યક્ષ રીતે સાંભળશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના ચતુષ્કોણીય સિકયુરિટી ગ્રીડના સ્પષ્ટ વિઝન અને તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકોમાં સરહદી સુરક્ષાને અભેદ્ય બનાવવા અંગે અપાયેલા દિશાનિર્દેશોને અનુરૂપ આ પહેલ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ટેકનોલોજી આધારિત ફેન્સિંગ દ્વારા સંપૂર્ણ પ્રાદેશિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના સંકલ્પને આ અભિયાન વધુ મજબૂત બનાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી દેખરેખ તથા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ફિલ્ડ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોને વધુ સુરક્ષિત બનાવવાનો તેમજ છેવાડાના સરહદી ગામોમાં વસતા નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે.
આ બે દિવસીય મુલાકાત દરમિયાન અધિકારીઓ સુરક્ષા માળખા, સુરક્ષા એજન્સીઓની સજ્જતા અને બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત દુર્ગમ વિસ્તારોમાં તૈનાત પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરી રાત્રિ સમીક્ષા બેઠકો યોજશે, જેના તારણો આગામી સમયમાં સરહદી વિસ્તારના વિકાસ અને સુરક્ષા આયોજનમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ વિશેષ અભિયાન અંતર્ગત રાજ્યના ૧૦ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને અલગ-અલગ સરહદી ગામોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લાના કલ્યાણપર અને બાંભણકા ગામે વડોદરા રેન્જ IGP સંદીપ સિંઘ તેમજ વરસારા અને ધબડા ગામે જામનગરના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની રાત્રિરોકાણ કરશે. પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં અમદાવાદ શહેર ક્રાઈમના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ સુમરાપોર અને મોટા પૈયા ખાતે, ગાંધીનગર ઇન્ટેલિજન્સ-૨ ના IGP એન. એન. ચૌધરી અટાડા અને લાખાપર ખાતે, ગાંધીનગર કાયદો અને વ્યવસ્થાના IGP મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ મીઠડી અને ભગડિયા ખાતે તથા ભરૂચના પોલીસ અધિક્ષક અક્ષય રાજ રતાડિયા અને રોહતલ ગામે મુલાકાત લેશે.
આ ઉપરાંત વાવ-થરાદ જિલ્લાના કારેલી અને બારડવી ગામે પંચમહાલ-ગોધરા રેન્જના DIGP વિધિ ચૌધરી, બુકણા અને નડોદર ગામે અમદાવાદ પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા તેમજ બોરુ અને નેસડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક એમ. જે. ચાવડા ઉપસ્થિત રહેશે, જ્યારે પાટણ જિલ્લાના દાત્રાણા અને બરારા ગામે અમદાવાદ શહેર ઝોન-૮ ના નાયબ પોલીસ કમિશનર મયુર ગુલાબરાવ પાટીલ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
આ અભિયાન થકી ગુજરાત પોલીસ સરહદના અંતિમ ગામ સુધીના દરેક નાગરિકની સુરક્ષા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.