Surat Canal Incident : સુરત જિલ્લાના બારડોલી પંથકમાં માનવતાને હચમચાવી નાખે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉવા ગામ નજીક અજાણી કારમાં આવેલા ચાર શખ્સોએ એક શ્રમજીવી પરિવારની કાર આંતરી પરિવારના સભ્યોને બળજબરીથી બહાર કાઢ્યા બાદ નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધા હોવાની ગંભીર ઘટના સામે આવી છે.
આ ઘટનામાં માતા-પિતા સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જ્યારે 13 વર્ષીય કિશોરે નહેરમાં પાઇપ પકડીને પોતાનો જીવ બચાવ્યો હોવાનું સામે આવ્યું છે. તો બે બાળકો હજુ લાપતા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પરિવાર પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે બારડોલીના ઉવા ગામ નજીક અજાણી કારમાં આવેલા ચાર શખ્સોએ તેમની કારને આંતરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોને કારમાંથી ઉતારી નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. નહેરના ઊંડા પાણીમાં ફેંકાયા બાદ 13 વર્ષીય કિશોરે હિંમત દાખવી નહેરમાં રહેલી પાઇપ પકડી રાખી હતી અને કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.
બીજી તરફ, ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મહુવાના ડુંગરી નજીક નહેરમાંથી એક પુરુષ, એક મહિલા અને એક યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક પુરુષની ઓળખ નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ તરીકે, જ્યારે મહિલાની ઓળખ કવિતા પાટીલ તરીકે કરવામાં આવી છે. ત્રીજા મૃતદેહની ઓળખ અંગેની વિગતો હજુ સામે આવવાની બાકી છે.
આ ઘટનામાં પરિવારના અન્ય બે બાળકો હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા નહેરમાં સઘન શોધખોળ ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની આઠ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખા પરિવારને નહેરમાં ફેંકવા પાછળનું કારણ શું હતું? શું આ ઘટના પાછળ જૂની અદાવત, અંગત દુશ્મની કે અન્ય કોઈ કારણ જવાબદાર છે? લાપતા બે બાળકો ક્યાં છે અને આ કૃત્યમાં સામેલ ચાર શખ્સો કોણ છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.