રાજકોટના બહુચર્ચિત જંગલેશ્વર ડિમોલિશન સમયે થયેલા ખર્ચ અને તે અંગે થયેલા વિવાદ બાદ મોટી કાર્યવાહી કરી છે. તપાસ રિપોર્ટ જાહેર થયા બાદ એક અધિકારીને સસ્પેન્ડ કરાયા છે અને બે અધિકારીઓ સામે ખાતાકીય તપાસનો નિર્ણય જાહેર કરાયો છે. ડિમોલિશન સમયે થયેલા મસમોટા ખર્ચ બાદ મોટો વિવાદ થયો હતો અને તંત્રએ ખાસ તપાસ કરવી પડી હતી. જેનો રિપોર્ટ જાહેર થતા ખળભળાટ મચી ગયો છે. અને સાથે ખોટો ખર્ચ કરનાર અધિકારીઓ પર મોટી તવાઈ આવી છે.
રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચના વિવાદ મામલે મોટી કાર્યવાહી થઈ છે. આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તપાસ બાદનો રિપોર્ટ જાહેર કર્યો. અને સાથે જવાબદાર અધિકારીઓ સામે એવા કડક પગલાંની જાહેરાત કરી કે, તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય અધિકારી જયેશ વાંકાણી સામે ખાતાકીય તપાસ થશે. તેમજ સ્ટોર ઈન્ચાર્જ સામે ખાતાકીય તપાસ થશે.
જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન થયું હતું. એ સમયે તંત્રએ દબાણો હટાવવા માટે કરેલી કામગીરીની ચર્ચા હતી. પરંતુ જ્યારે આ કામગીરીના બિલ સામે આવ્યા તો હડકંપ મચી ગયો. મોટા હોબાળા બાદ ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં કમિટી રચનામાં આવી. જેમના રિપોર્ટ પ્રમાણે ભોજન, નાસ્તા, ચા-પાણી, લીંબુ સરબતની વ્યવસ્થાના બિલમાં ક્ષતિ જોવા મળી છે. 18 લાખના બિલ અયોગ્ય રીતે મુકાયાનો સ્વીકાર કમિશનરે કર્યો છે. આ સાથે ઇતિહાસમાં પહેલીવાર 5 લાખથી વધુનાં બિલ રિકવર કરાયા છે.
આ આખી ઘટનામાં સાંસ્કૃતિક વિભાગના મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેમના સુધી રિપોર્ટ ન પહોંચ્યો હોવાનું કહ્યું અને સાથે દાવો કર્યો કે, તેમણે નિયમ મુજબ જ બિલ મુક્યા છે. તપાસનો રિપોર્ટ સામે આવી ગયો છે..જવાબદારો સામે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહેશે, કે રિપોર્ટ કેટલો અસરકારક સાબિત થાય છે? અને જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે?