ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ આ પહેલા સમાજો અને જ્ઞાતિઓની એકતાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠામાં યોજાયેલી એક કાર્યક્રમમાં પ્રફુલ પટેલે પાટીદાર અને આંજણા સમાજને એક થવાની હાકલ કરી છે. ત્યારબાદ આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. ત્યારે આપણે તે જાણવાનો પ્રયાસ કરીશું કે કડવા, લઉઆ પાટીદાર અને આંજણા સમાજની વસ્તી કેટલી છે, રાજકીય દ્રષ્ટિએ આ સમાજ ક્યા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે.
ગુજરાતમાં રાજકીય દ્રષ્ટિએ પાટીદાર અને આંજણા સમાજ હંમેશા નિર્ભાયક ભૂમિકા ભજવતા આવ્યા છે. રાજ્યની કુલ વસ્તીમાં આ ત્રણેય સમાજનો હિસ્સો આશરે 14.5 ટકાથી 17 ટકા જેટલો છે. આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં લેઉઆ પાટીદાર સમાજની વસ્તી સૌથી વધુ 65થી 75 લાખ (8થી 9 ટકા) જેટલી છે. ત્યારબાદ કડવા પટેલની વાત કરવામાં આવે તો તેની વસ્તુ 45થી 55 લાખ (5થી 6 ટકા) છે. આ સિવાય આંજણાની વાત કરવામાં આવે તો અંદાજે 15થી 25 લાખ (1.5થી 2 ટકા) છે.
પટેલોની કેટલી વસતી?
| સમાજ | સંખ્યા | ટકાવારી |
|---|---|---|
| લેઉવા પાટીદાર | 65થી 75 લાખ | 8થી 9 ટકા |
| કડવા પાટીદાર | 45થી 55 લાખ | 5થી 6 ટકા |
| આંજણા પટેલ | 15થી 25 લાખ | 1.5થી 2 ટકા |
જો તેના પ્રાદેશિક પ્રભાવની વાત કરીએ તો રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં આ ત્રણેય સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. લેઉઆ પાટીદાર સમાજનો સૌથી વધુ પ્રભાવ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. બીજીતરફ કડવા પાટીદાર ઉત્તર ગુજરાત અને અમદાવાદ પંથકમાં પકડ ધરાવે છે. જ્યારે આંજણા સમાજનો પ્રભાવ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે છે.
| સમાજ | પ્રભાવ વિસ્તાર |
|---|---|
| લેઉવા પાટીદાર | સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત |
| કડવા પાટીદાર | ઉત્તર ગુજરાત, અમદાવાદ |
| આંજણા પટેલ | ઉત્તર ગુજરાત |
ગુજરાતના ચૂંટણી પરિણામો નક્કી કરવામાં આ સમાજના મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે. લઉઆ પાટીદારની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, સુરત, આણંદ અને વડોદરાની આશરે 35થી 40 બેઠકો પર સીધો પ્રભાવ ધરાવે છે. તો કડવા પાટીદાર સમાજ મહેસાણા, પાટણ, ગાંધીનગર અને મોરબી જેવા વિસ્તારોમાં 25થી 35 સીટો પર નિર્ણાયક સાબિત થાય છે. આ રીતે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણની 12થી 15 સીટો પર આંજણા સમાજનું પ્રભુત્વ રહેલું છે.
| સમાજ | પ્રભાવિત બેઠકો | મુખ્ય વિસ્તાર / જિલ્લા |
|---|---|---|
| લેઉવા પાટીદાર | 35થી 40 બેઠક | સૌરાષ્ટ્ર, સુરત, આણંદ, વડોદરા |
| કડવા પાટીદાર | 25થી 35 બેઠક | મહેસાણા, પાટણ, ગાંધીનગર, મોરબી |
| આંજણા પટેલ | 12થી 15 બેઠક | બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ |
ગુજરાતની વર્તમાન રાજનીતિની વાત કરવામાં આવે તો આ ત્રણેય સમાજના આગેવાનો સમાજમાં મહત્વના હોદ્દા પર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ કડવા પટેલ સમાજમાંથી આવે છે. આ સિવાય પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ કડવા પટેલના દિગ્ગજ નેતા છે. બીજીતરફ લઉઆ પાટીદાર સમાજમાંથી જીતુ વાઘાણી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સરકારનો હિસ્સો છે. જ્યારે આંજણા સમાજમાંથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે. આ સિવાય સામાજિક અગ્રણી હરિભાઈ ચૌધરી પણ સમાજ અને રાજકારણમાં મોટું નામ ધરાવે છે. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો વસ્તી, બેઠકો અને અન્ય સમીકરણોને કારણે આ સમાજ ગુજરાતની રાજનીતિમાં મોટી તાકાત ધરાવે છે.
| નામ | જ્ઞાતિ | હોદ્દો |
|---|---|---|
| ભૂપેન્દ્ર પટેલ | કડવા પાટીદાર | મુખ્યમંત્રી |
| નીતિન પટેલ | કડવા પાટીદાર | પૂર્વ નાયબ મુખ્યમંત્રી |
| જીતુ વાઘાણી | લેઉવા પાટીદાર | કૃષિ મંત્રી |
| પ્રફુલ પાનસેરિયા | લેઉવા પાટીદાર | આરોગ્ય મંત્રી |
| શંકર ચૌધરી | આંજણા પટેલ | વિધાનસભા અધ્યક્ષ |
| હરીભાઈ ચૌધરી (શેઠ) | આંજણા પટેલ | સામાજિક અગ્રણી |