Sara Ali Khan: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન વિરુદ્ધ હિંદુ મંદિરમાં દર્શન કરવા બદલ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. આ ફતવો કેદારનાથના દર્શન કરવા બદલ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 25 ઓક્ટોબર, રવિવારે સારા અલી ખાન કેદારનાથ મંદિરની બહાર દર્શન માટેની લાઈનમાં જોવા મળી હતી. કેદારનાથ યાત્રા દરમિયાન સારા અલી ખાન પ્રાર્થના કરતી અને મંદિરની બહાર હાથ જોડીને ઊભેલી જોવા મળી હતી. હવે આ મામલે સારા અલી ખાન વિરુદ્ધ બરેલીના મૌલાના શહાબુદ્દીન રજવીએ ફતવો બહાર પાડ્યો છે.
અભિનેત્રી સારા અલી ખાન મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધર્મમાં આસ્થા રાખે છે. આ પહેલી વખત નથી કે સારા અલી ખાને કેદારનાથ મંદિરમાં દર્શન કર્યા હોય. સારા અલી ખાન વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મૌલવી મૌલાના શહાબુદ્દીન રીજવીએ વીડિયો શેર કરીને ફતવો જાહેર કર્યો છે. વીડિયોમાં મૌલાના કહે છે કે કોઈ બીજા ધર્મ અનુસાર પૂજા કરવી શરિયા હેઠળ હરામ છે. તેમણે સારા અલી ખાનને અલ્લાહની માફી માંગવા પણ કહ્યું છે. તેમણે સારા અલી ખાન અને દોશી પણ કહી છે. વીડિયોમાં મૌલવી એવું કહેતા પણ સાંભળવા મળ્યા કે તેમને ઘણા યુવાનો સારા અલી ખાનનું ઉદાહરણ આપીને પૂછે છે કે કેદારનાથમાં પૂજા કરવી શરિયા હેઠળ યોગ્ય છે ? ત્યારે તેમણે યુવાનોને પણ સ્પષ્ટ કરી દીધું કે આ કામ કરવું હરામ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી જ્યારે સારા અલી ખાનને મંદિરમાં દર્શન કરવા બદલ વિરોધનો સામનો કરવો પડ્યો હોય. સારા અલી ખાનની પહેલી ફિલ્મ કેદારનાથ સમયે પણ સારા અલી ખાનને ઉત્તરાખંડના સમૂહોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ જે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં વ્યવસ્થાનું કામ કરે છે તેના દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે જેમાં અન્ય ધર્મના શ્રદ્ધાળુઓ આ મંદિરમાં પ્રાર્થના કરે તે પહેલા એફિડેવિટ જમા કરાવવું ફરજીયાત છે.
સારા અલી ખાનની કેદારનાથ મુલાકાતને લઈને જે વિવાદ થયો છે તેને લઈને સમિતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે સારાની ટીમ દ્વારા કેદારનાથની યાત્રા પહેલા એફિડેવિટ જમા કરાવ્યું હતું. જણાવી દઈએ કે સારા અલી ખાન કેદારનાથમાં વિશેષ આસ્થા ધરાવે છે છેલ્લા ચાર વર્ષથી તે નિયમિત કેદારનાથના દર્શન કરવા પહોંચે છે.