કર્મચારીઓ ભવિષ્યનિધિ ખાતા સંલગ્ન નિયમોમાં સરકાર મોટા ફેરફાર કરવા જઈ રહી છે. પીએફ ફંડ કાઢવાની લિમિટને લઈને લોક ઈન પીરિયડ અને સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનને મંજૂરી આપ્યા બાદ હવે EPFO યુપીઆઈ, એટીએમ દ્વારા પૈસા કાઢવાની સુવિધા શરૂ કરવાનું છે. જેનો હેતુ સરળતાથી અને ઝડપી પીએફ ઉપાડ કરી શકાય તે છે.
અત્રે જણાવવાનું કે પહેલા લોકો નોકરી છોડે ત્યારબાદ કે પછી રિટાયરમેન્ટ પછી પીએફના પૈસા મેળવી શકતા હતા. આ માટે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું અને ઘણા દિવસો જતા હતા. પીએફ ઓફિસના ચક્કર ખાવા પડતા હતા. પરંતુ હવે આ કામ ગણતરીની મિનિટોમાં થઈ શકે છે. EPFOની તૈયારી હવે યુપીઆઈ દ્વારા પીએફ ઉપાડને વધુ તેજ અને સરળ બનાવવાનો છે.
EPFO આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં યુપીઆઈ દ્વારા પીએફના પૈસા કાઢવાની સુવિધા શરૂ કરશે એવું કહેવાય છે. ધ ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ યુપીઆઈથી પીએફ (પ્રોવિડેન્ટ ફંડ) ઉપાડની અનેક ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે અને હવે ડિસેમ્બરમાં તેને લોન્ચ કરવાની તૈયારી થઈ રહી છે. ત્યારબાદ તમે તમારા ફોનમાં રહેલી ભીમ એપ દ્વારા પીએફ ફંડ ઉપાડી શકશો.
EPFOની આ સુવિધા હેઠળ તમને રિટાયરમેન્ટ બાદ પણ તમારા પીએફના પૈસા પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ દર પર દર મહિને લગભગ 0.6875% વ્યાજ મળતું રહેશે. જ્યારે FD પર વ્યાજ દર 6 થી 7 ટકા આસપાસ છે.